નગરપાલિકાના શાસકો કરોડો રુપિયાના ખર્ચે સાઈકલ ટ્રેક બનાવવા ઈચ્છતા હતા. જે માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા હતા. જોકે તેનો વિરોધ થતાં પ્રોજેક્ટ પડતો મુકવો પડયો છે. હવે નગરપાલિકાએ આ પ્રોજેકટ માટે રિંગરોડની જગ્યા નક્કી કરી છે, જયાંથી સતત ભારે વાહનો પસાર થાય છે. જેનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
મળતી માહિતી મુજબ ભુજ નગરપાલિકાએ અમૃત યોજના અંતર્ગત શહેરના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સર્કલ પાસેથી રિંગરોડ પર મુંદ્રા રિલાયન્સ સર્કલ સુધી સાઈકલ ટ્રેક બનાવવાનું નક્કી કર્યું છે. જે અંગે પ્રકિયા ચાલી રહી છે. જે માર્ગ પર સાઈકલ ટ્રેક બનાવવાની વિચારણા છે, તે માર્ગ પર ભારે વાહનોની સતત અવર-જવર રહે છે. આ અંગે ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન ભરત રાણાએ ઈટીવી ભારતને જણાવ્યું કે, હજી વિચારણા ચાલી રહી છે અને આં અંગે એજન્સી સલાહકાર આવશે ત્યારબાદ નક્કી કરવામાં આવશે.
ચીફ ઓફિસર નીતીન બોડાતે જણાવ્યું કે, સામાન્ય સભામાં પડતો મુકાયેલો આ ઠરાવ કારોબારીમાં આવરી લેવાયો છે અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી રિંગરોડની બન્ને બાજુએ સાઈકલ ટ્રેક બનાવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જોકે આ તમામ ઘટનાક્રમ વચ્ચે ભુજ નગરપાલિકા ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે.