કચ્છ: માધાપરના આહીર યુવકને હની ટ્રેપમાં ફસાવી 4 કરોડ રૂપિયાની ખંડણી કરી તેને મરવા મજબૂર કરવાના ગુનામાં પોલીસે વધુ બે યુવકોની ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છ લોકો ક્રાઇમ બ્રાન્ચે હનીટ્રેપ ગેંગમાં સામેલ અમદાવાદ અને રાજકોટના બે યુવકોની ધરપકડ કરી છે.
બે વધુ આરોપીઓ ઝડપાયા: પશ્ચિમ કચ્છ એલ.સી.બી.ના પીઆઈ સંદિપસિંહ ચુડાસમાએ માહિતી આપ્યા જણાવ્યું હતું કે પશ્ચિમ કચ્છ એલ.સી.બીની ટીમે મૂળ ભાવનગરના અક્ષય કોતરને રાજકોટથી અને મૂળ અમરેલીના દીક્ષિત જ્યેશભાઈ નાકરાણીની અમદાવાદથી ધરપકડ કરી છે. હાલમાં આ હની ટ્રેપ કેસમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં અગાઉ ઝડપાયેલ આરોપીઓની પૂછપરછ દરમિયાન બહાર આવ્યું છે કે અક્ષય અને દીક્ષિત બેઉ જણ માસ્ટર માઈન્ડ અને મુખ્ય આરોપી મનીષાના પતિ ગજ્જુગીરીના ભુજના ગણેશનગરમાં આવેલાં મકાનમાં જ રહેતાં હતાં અને બંને લોકો ગજ્જુના ઈશારે કામ કરતા હતાં.
ગજ્જુના ઈશારે કરતા હતા કામ: હની ટ્રેપનો શિકાર બનેલા માધાપરના દિલીપ ગાગલને ફસાવનારી દિવ્યા ભુજ આવી ત્યારે તેઓ તેની સાથે બધી જગ્યાએ સાથે જ ગયાં હતાં. ઉપરાંત દિલીપે અમદાવાદથી દિવ્યાના નામે જે ટિકિટ બસ માટે બુક કરાવેલ હતી તે ટિકિટ પર અક્ષય તેનો મોબાઈલ લઈને બેઠો હતો. જેથી કરીને દિલીપને કોઈ પણ જાતની શંકા ના થાય. કારણ કે મુખ્ય આરોપી મનીષાએ હનીટ્રેપમાં દિલીપને ફસાવવા માટે વકીલો મારફતે કાયદાકીય માર્ગદર્શન આપવા દિવ્યાને આગલા દિવસે જ બોલાવવામાં આવી હતી.
6 આરોપીઓની ધરપકડ: ઉલ્લેખનીય છે કે,આ હની ટ્રેપ કેસમાં અત્યાર સુધીમાં નવ લોકો સામે ગુનો નોંધાયો છે. જે પૈકી પોલીસે આ કેસમાં મુખ્ય ભૂમિકા ભજવનાર દિવ્યા ચૌહાણ અને ભુજના અઝીઝ સમાની ધરપકડ કરી હતી. તો ત્યાર બાદ પોલીસે ભુજના વકીલ વિવેકસિંહ જાડેજા અને મુખ્યબારોપી મનીષાના પતિ ગજ્જુને સીમકાર્ડ આપનારાં પરેશ ધોળીયાની ધરપકડ કરી હતી.તો આજે વધુ બે શખ્સોની ધરપકડ સાથે અત્યાર સુધીમાં કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
હજુ પણ 3 આરોપીઓ ફરાર: મુખ્ય આરોપી મનીષા ગોસ્વામી હાલમાં જેલમાં જ છે તો આ કેસમાં તેનો જેલમાંથી કબ્જો મેળવવા પોલીસ પ્રસાશન દ્વારા પ્રયાસો ચાલુંમાં જ છે. આ કેસમાં અન્ય આરોપીઓ જેમાં અંજારની મહિલા વકીલ કોમલ જેઠવા, આકાશ મકવાણા, ગજ્જુગીરી ફરાર છે. જેને ઝડપવા માટે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.