કચ્છ: તુર્કીમાં આવેલ વિનાશકારી ભૂકંપે હજારો લોકોનો જીવ લીધો છે. 7.8ની તીવ્રતાના આવેલા આંચકાને લીધે તુર્કી અને સીરીયાના અનેક શહેરોને ખંઢેર બનાવી દીધા છે. તુર્કીમાં આવેલ વિનાશકારી ભૂકંપે વર્ષ 2001માં કચ્છમાં આવેલ ભયાનક ભૂકંપની યાદ અપાવી દીધી હતી. કચ્છની જેમ તુર્કી પણ કંઈ રીતે આ ભૂકંપમાંથી બહાર આવી શકે છે. જાણો આ અહેવાલમાં.
કચ્છમાં 2001માં ગોઝારો ભૂકંપ: તારીખ 26મી જાન્યુઆરી 2001ના દિવસે સવારે 8:46 મિનિટે આવેલા 7.6ની તીવ્રતાના એ ગોઝારા ભૂકંપમાં એક અહેવાલ પ્રમાણે કુલ 20,005 મૃત્યુ અને 1,66,812 ઈજાગ્રસ્ત થયાં હતાં. આમાં 20,717 લોકોને ગંભીર ઇજાઓ થઇ હતી. કચ્છ જિલ્લામાં 92 ટકાથી વધુ મૃત્યુ અને 82 ટકા ઈજાઓ નોંધાઈ હતી. તુર્કીમાં આવેલ ભૂકંપમાં મૃતકોની સંખ્યા 11,000થી વધુ નોંધાઈ છે. આંક હજી પણ વધવાની આશંકા રહેલી છે. એવામાં એક ચોંકાવનારો અહેવાલ આવ્યો છે કે, આ ભૂકંપે ટેક્ટોનિક પ્લેટને આશરે 3 મીટર જેટલી દૂર ખસેડી નાખી છે.
કચ્છ ફરીથી બેઠું થયું: કચ્છમાં આવેલા ભૂકંપ બાદ તત્કાલિન વડાપ્રધાન સ્વ. અટલબિહારી બાજપાઈ અને ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છ માટે જે વિકાસની રૂપરેખા તૈયારી કરી હતી. જેનું પરિણામ હાલમાં જોવા મળી રહ્યું છે. પ્રવાસન ક્ષેત્રે કચ્છ રણોત્સવ અને ઉદ્યોગોમાં મુંદરા, અદાણી પોર્ટનો વિકાસ તેનો જીવતો જાગતો પુરાવો છે. નેપાળ સહિત જ્યાં પણ 2001 પછી ભૂકંપ આવ્યા છે. કચ્છના પુનર્વસન મોડેલને અપનાવાયું છે. કચ્છ 2 લાખ કરોડના મૂડીરોકાણ સાથે વિશ્વમાં ચમકે છે. 10 લાખ મેગા વોટ વીજળી ઉત્પાદન થાય છે. બંદરીય પરીવહનમાં કચ્છનો હિસ્સો 30 ટકા છે. કંડલાનું દિનદયાલ પોર્ટ દેશમાં નંબર વન પોર્ટ છે. આમ હાલ કચ્છ વિકાસના હાઈવે પર પુરપાટ દોડી રહ્યુ છે.
સોમવારે આવેલા આ ભૂકંપનું કેન્દ્ર તુર્કીના ગાઝીયાં ટેપ શહેર આશરે 17.9 કી.મી.ની ઉંડાઈએ હતું.તો 7.8ની તીવ્રતાના આવેલા આંચકા બાદ 7.5 અને 6.5ની તીવ્રતાના એજ દિવસે કુલ 3 ભૂકંપના આંચકાઓ આવતા આવી મોટી દુર્ઘટના ઘટી હતી. આ શહેરમાં આશરે 20 લાખ લોકો રહે છે. અરેબિયન ટેક્ટોનિક પ્લેટ ઉત્તર તરફ ખસતા આ પ્રલયકારી ભૂકંપ આવ્યો હતો. તુર્કી ભુકંપ અંગે સંવેદનશીલ એટલા માટે છે કે તે એવી ફોલ્ટ લાઇન ઉપર રહેલું છે કે જ્યાં એનટોલિયન પ્લેટ, અરેબિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ સાથે જોડાયેલા છે-- હેડ ડૉ. મહેશ ઠકકર (કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સના હેડ)
પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી: એનેટોલિયન પ્લેટ અને અરેબિયન પ્લેટ વચ્ચેનો ફોલ્ટનો આશરે 25 કી.મી.નો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. અરેબિયન પ્લેટ ઉત્તર પૂર્વથી દક્ષિણ પશ્ચિમમાં લગભગ 3 મીટર સુધી ખસી છે. આ ભૂકંપને લીધે ખંઢેર થયેલા મકાનોના કાટમાળ નીચે દબાઈને મૃત્યુ પામેલાઓની સંખ્યા વધીને 11,000થી વધુ નોંધાઈ છે. પરંતુ આ સંખ્યા હજી પણ વધવાની ભીતિ છે. ભૂકંપ પછી આવેલ 200 જેટલા આફ્ટર શોક્સ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે. તુર્કી અને સીરીયામાં બહુ મોટી તબાહી થઈ છે.
પૃથ્વી પર ભૂકંપથી સૌથી વધુ શકયતા: તુર્કીમાં ભયાનક ભૂકંપે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. ગત સોમવારે સવારે આવેલા ભૂકંપે લોકોને બચવાનો મોકો પણ નથી આપ્યો. જ્યારે ભૂકંપ આવ્યો તો, લોકો ગાઢ ઊંઘમાં હતા.તુર્કીની ટેકટોનીક પ્લેટ પાંચ થી છ મીટર સુધી ખસડી શકે છે. વાસ્તવમાં તુર્કી સહિતના ક્ષેત્રો પૃથ્વી પર ભૂકંપથી સૌથી વધુ શકયતા ધરાવતા ક્ષેત્રમાં છે અને તેમાં અનેક મુખ્ય ફોલ્ટલાઈન છે. જેમાં એનાટોલિયન પ્લેટ, એરેબિયન પ્લેટ તથા યુરેશિયાઈ પ્લેટ સાથે આ ફોલ્ટલાઈન જોડાયેલી છે.
ભૂકંપ આવવાની શકયતા વધુ: જેના કારણે અહી ભૂકંપ આવવાની શકયતા વધુ છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ એનાટોલિયન પ્લેટ અને અરૈબિયન પ્લેટ વચ્ચે 225 કિલોમીટરની ફોલ્ટલાઈન તૂટી ગઈ છે.ભૂકંપ બાદની સ્થિતિનો સેટેલાઈટના માધ્યમથી વધુ અભ્યાસ કરાશે તેની વધુ ચોકકસ માહિતી મળશે. ભૂકંપની તીવ્રતા જોતા ટેકટોનિક પ્લેટનું શિફટ થવું તર્કસંગત છે.
તુર્કીની પ્લેટને દબાવી: ભૂકંપની તિવ્રતા અને ટેકટોનિક પ્લેટ વચ્ચે ખસકવી એ બન્ને વચ્ચે સંબંધ છે અને તેથી જે કંઈ બન્યુ છે તે એક ભૌગોલિક સ્થિતિ જ છે. ભૂકંપના નકશામાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે એનાટોલિયન માઈક્રોપ્લેટસ એજીવન માઈક્રોપ્લેટસની તરફ આગળ વધી રહી છે તો અરેબિયન ટેકટોનિક પ્લેટ તુર્કીની પ્લેટને દબાવી રહી છે. ઉપરાંત યુરેશિટન પ્લેટ અલગ દિશામાં જઈ રહી છે. આમ પ્લેટ વચ્ચેથી જે ધકકામુકકી છે તેના કારણે પુરી ધરતી ધ્રુજી રહી છે. ભૂકંપ ચાર ટેકટોનિક પ્લેટોના જંકશન પર વસેલું છે. તેથી કોઈપણ એક પ્લેટમાં થોડી પણ હલનચલન સમગ્ર ક્ષેત્રને ધ્રુજાવી દે છે. તુર્કીની નીચેની જમીન જે માઈક્રોપ્લેટીંગ તરીકે ઓળખાય છે. તે વિપરીત દિશામાં ફરે છે. એટલે કે એન્ટીકલોક ફરે છે. જેના કારણે ભૂકંપની તિવ્રતા પણ વધે છે.
તુર્કીની મદદે અનેક દેશો: દુનિયાભરના દેશોના હજારો સહાય કર્મચારીઓ કાર્યરત છે પરંતુ માત્ર તુર્કીમાં જ 6,000થી વધુ ઇમારતો પડી ભાંગી છે. આ કાટમાળ ખસેડવાના પ્રયાસો પણ અપૂરતા થઈ રહ્યા છે. તેવામાં એક તરફ વર્ષા અને બીજી તરફ થતી હિમવર્ષા પણ સહાય કાર્યમાં અવરોધરૂપ બની રહી છે. આમ છતાં કાટમાળ નીચેથી 8000થી વધુ લોકોને તો બચાવી લેવાયા છે.તુર્કી અને સીરીયામાં એટલી બધી તબાહી થઈ છે કે મદદ પણ સમયસર પહોંચાડવી મુશ્કેલ બની છે તેથી લોકો સહાય નહી મળવાની ફરિયાદ કરે છે.
કચ્છના પુનર્વસન મોડેલને અપનાવી શકાય: જો તુર્કીમાં પણ યોગ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને બચાવ કામગીરી કરવામાં આવે તો લોકોનો જીવ બચાવી શકાશે અને અન્ય દેશો પણ મદદે આવી જ રહ્યા છે તો સાથે જ કચ્છના પુનર્વસન મોડેલને અપનાવામાં આવશે તો કચ્છની જેમ તુર્કી પણ ફરી બેઠું થઈ શકે છે.