અછત રાહત સમિતિની બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર કે. એસ. ઝાલાએ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને ચાલુ વર્ષે નર્મદા યોજનાના કેનાલ આધારિત પાણીની મર્યાદિત ઉપલબ્ધી અંગે કારણ આપી આગામી ઉનાળા દરમિયાન પીવાના પાણીની સંભવિત ઘટ નિવારવાના અગાઉ આયોજનની તૈયારી અને સ્થાનિક સ્તરે જરૂરિયાત મુજબ પીવાના પાણી માટેની વિવિધ દરખાસ્તો ત્વરિત મંજૂર કરવા તાકીદ કરવામાં આવી હતી.
આ ઉપરાંત, અછત શાખાના નાયબ કલેક્ટર એન. યુ. પઠાણે બેઠકમાં પાણી પૂરવઠા બોર્ડના અધિકારીઓને પાણી અંગેની કોઇ પણ રજૂઆત પર પૂરતું ધ્યાન આપી તાત્કાલીક કાર્યવાહી કરવા અંગેની સુચનાઓ આપી હતી. તેમણે પીવાના પાણીની ફરિયાદ પ્રત્યે ગંભીરતા દાખવી સમસ્યાનું તાત્કાલીક નિવારણ થાય તે અંગે દિશા-નિર્દેશો પણ આપ્યા હતા. વધુમાં પાણી ચોરીની કોઇપણ રજૂઆતો થાય તો પોલીસ વિભાગને સાથે રાખીને પાણી પૂરવઠા વિભાગને કડક કાર્યવાહી કરવા તેમજ હૉટેલ-રેસ્ટોરન્ટો દ્વારા કરાતી પાણી ચોરીને અટકાવવા પણ પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો.
પાણી પૂરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેર પી. એ. સોલંકીએ કચ્છમાં પાણી પુરવઠા અંગેની રજૂઆતો સંદર્ભે જણાવ્યું હતું કે, "સંબંધિત ગ્રામ પંચાયતોની પાણી સમિતિને બોર્ડ દ્વારા નિયમિત રીતે પાણી આપવામાં આવી રહ્યું છે. પરંતુ ગામની પાણી સમિતિ દ્વારા વિતરણની કામગીરીને વધુ સુદ્રઢ કરી સમસ્યા અને ફરિયાદોનું નિવારણ સરળતાથી લાવી શકશે. હાલના તબક્કે 35 ટેન્કર દ્વારા 83 ગામ અને પરાઓને 134 ફેરા કરીને પીવાના પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં 19 ખાતાકીય તેમજ 16 ખાનગી ટેન્કર દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. આ બેઠકમાં નિવારણ લાવવાની જગ્યાએ કામ એકબીજા પર થોપવા જેવી સ્થિતિનું સર્જન થયું હોવાનું અસરગ્રસ્તોએ જણાવ્યું હતું.