- ભુજ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની સફળ ટ્રેપ
- કુકમા ગામના મહિલા સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા
- 5 લાખ રૂપિયાની લાંચ માંગતા, 4 લાખની લાંચ લેતા ઝડપાયા
કચ્છ: એન્ટી કરપ્શન બ્યુરો ભુજ ઓફિસના PI એમ.જે. ચૌધરીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ફરિયાદી માઇન્સ અને મીનરલ વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમણે ઔદ્યોગિક બાંધકામ માટે ગ્રામ પંચાયત ટૂંકમાં પાસેથી આકરણી અને મંજૂરી આપવા અને તેમની કંપની વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવા કુકમાના મહિલા સરપંચ પાસે રજૂઆત કરી હતી. આ અંગે કુકમા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કંકુ મારવાડાએ રૂપિયા 5 લાખની લાંચ માંગી હતી એ પૈકી રૂપિયા એક લાખ ફરિયાદીએ આપી દીધા હતા જ્યારે બાકીના ચાર લાખ આપવાના હતા પરંતુ આ રકમ વધારે હોય ફરિયાદી આ રકમ ઓછી કરવા આજીજી કરેલી પરંતુ મહિલા સરપંચ કંકુબેન દ્વારા દાદ ન અપાતાં ફરિયાદીએ મદદનીશ નિયામક એન્ટી કરપ્શન બ્યુરો ભુજનો સંપર્ક કરતા આ મામલે ભુજ એસીબી પીઆઈ એમ.જે. ચૌધરીને સૂચના અપાયા બાદ ફરિયાદી સાથે સંપર્ક કરીને છટકું ગોઠવવામાં આવ્યું હતું. એન્ટી કરપ્શન બ્યુરો ભુજ દ્વારા ગુરુવારે રાત્રે ભુજમાં મહાદેવ નાકા નજીક હમીસર તળાવ પાસે આ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી.
અગાઉ 1 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા
ભુજ ખાતે મહાદેવ નાકા નજીક કુકામાના મહિલા સરપંચના પતિ સહિત 3 વ્યક્તિઓને રૂપિયા 4 લાખની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધા હતા. કુકમા ગામના મહિલા સરપંચના પતિ 4 લાખ જેવી માતબર રકમ લાંચરૂપે સ્વીકારતા એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાઇ ગયાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. દરમિયાન બાકીના રૂપિયા 4 લાખ આપવાનું નક્કી થતાં ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી મહિલા સરપંચ કંકુને વાત કરતા ભુજ ખાતે મહાદેવ નાકા પાસે તેમના પતિ અમૃતલાલ મારવાડા તેમણે આ રકમ આપી દેવાનું કહેતા છટકું ગોઠવાયું હતું. જેમાં ફરિયાદી પાસેથી રૂપિયા 4 લાખ સ્વીકારતા સરપંચ કંકુબેનના પતિ અમૃતલાલ મારવાડા અને તેમના સંબંધી રવજી બુચિયા તથા રિતેશ રવજી બુચિયા રકમ સ્વીકારતા રંગે હાથે પકડાઈ ગયા હતા.
અન્ય 2 લોકોની મદદગારી ખુલતા અટકાયત
છટકામાં કુકમા જૂથ પંચાયતના સરપંચ કંકુબેન વણકર તેમના પતિ અને ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અમૃત મારવાડા, સરપંચના સંબંધી રવજી બુચિયા અને રીતેશ બુચિયા સામે ગુનો નોંધાયો છે. આ ઉપરાંત સરપંચ સિવાયના 3 વ્યક્તિઓને પકડવામાં આવ્યા હતા. ACB દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: ACB માં ફરજ બજાવતો કમાન્ડો બન્યો ફિલ્મી નહિ પરંતુ રિયલ હીરો
ભુજ ACB ની સફળ ટ્રેપ
એસીબી દ્વારા ગ્રામ પંચાયતના સ્તરે આ પ્રકારે લાંચના છટકામાં આટલી મોટી કાર્યવાહી થઈ હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. જેની સામે ગુનો નોંધાયો છે. મહિલા સરપંચ અને તેમના પરિવારના મોટાભાગના સભ્યો હસ્તકલાના ક્ષેત્રે રાષ્ટ્રીય એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે. ઉપરાંત મહિલા સરપંચ કંકુબેન વણકર પંચાયતના સરપંચ તરીકે ઇન્ડિયા ફેલોના મોડલ સરપંચનો ખિતાબ પણ જીતી ચૂક્યા છે. કચ્છ જિલ્લા ભાજપના મહિલા મોરચાના પ્રધાન પણ છે.