- ભુજ નગરપાલિકાની અંતિમ સામાન્ય સભા મળી
- ભાજપના શાસકોએ વિવિધ ઠરાવોને બહુમતી સાથે બહાલી આપી
- કોંગ્રેસે વિવિધ મુદ્દે વિરોધ નોંધાવી શાસકોને ઘેરવાનો પ્રયાસ કર્યો
કચ્છ: ભુજમાં ટાઉન ટાઉનહોલ ખાતે નગરપાલિકાની અંતિમ સામાન્ય સભામાં કરોડોના કામોના 30થી વધુ ઠરાવોને બહાલી આપવામાં આવી હતી જ્યારે અલગ અલગ મુદ્દે વિપક્ષએ ઉઠાવેલા પ્રશ્નોના જવાબ સત્તા પક્ષએ ન આપતા તેમણે વિરોધ નોંધાવ્યો હતો અને વાતાવરણ ઉગ્ર બન્યું હતું.
ભાજપના શાસન વિકાસ અને સુવિધામાં નિષ્ફળ
ભુજ નગરપાલિકા સામાન્ય સભામાં વિપક્ષ હોબાળો કર્યો હતો. સામાન્ય સભા દરમિયાન વિપક્ષી નેતાઓએ નગરપાલિકા પ્રમુખને ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. ભુજની વિવિધ સમસ્યાઓ મુદ્દે વિપક્ષે જવાબ માંગતા સત્તા પક્ષે સામાન્ય સભા પૂર્ણ જાહેર કરી ચાલતી પકડી હતી. વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અંતિમ સામાન્ય સભામાં પાંચ વર્ષના લેખા-જોખા રજૂ કરવાના હોય છે ભુજ નગરપાલિકા દ્વારા પાંચ વર્ષ દરમિયાન ભાજપે કેટલું કામ કર્યું તેની કોઈ જ વિગતો આપવામાં આવી નથી. ભરશિયાળે શહેરમાં 8 દિવસે પાણી વિતરણ કરવામાં આવ્યું છે. ગટર માટે કરોડોના કામો થઈ રહ્યા હોવા છતાં માર્ગ પર દૂષિત પાણી ભરાઈ ગયું છે. હમીરસર બ્યુટીફીકેશન, દેશલસર તળાવ મુદ્દે સત્તાપક્ષ પાસે કોઈ જવાબ નથી. પ્રજાના પ્રશ્નોના જવાબ આપવામાં તેઓ સદંતર નિષ્ફળ ગયા છે
વિકાસ અને સુવિધા માટે અમે કટિબદ્ધ : નગર પ્રમુખ
જો કે નગર અધ્યક્ષા લતાબેન સોલંકીએ જણાવ્યું હતું કે અઢી વર્ષ દરમિયાન જેટલી પણ સામાન્ય સભા મળી છે તેમાં વિવિધ વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે. આ ઉપરાંત પ્રમુખ સ્થાને આવતા મુદ્દા સંદર્ભે કહ્યું કે જે કામ કારોબારીમાં ન લેવાયા હોય અને જરૂરી હોય તેવા કામો પ્રમુખસ્થાનેથી લેવામાં આવ્યા છે. જોકે કોંગ્રેસના આક્ષેપોના જવાબ આપતા નગર પ્રમુખે કહ્યું હતું કે ભાજપના શાસનમાં વિવિધ વિકાસ કામો થાય છે અને થઈ રહ્યા છે, નાગરિકોને સુવિધા અને વિકાસ માટે ભાજપના શાસકોની પેનલ હંમેશા કટિબદ્ધ છે.