હાઇકોર્ટે જીલ્લા કલેક્ટરને 9મી ડિસેમ્બરે કોર્ટ સમક્ષ હાજર થવાનો આદેશ કર્યો છે. પિટિશનમાં કરવામાં આવેલા આક્ષેપો અંગે જવાબ રજૂ કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કલેક્ટરને આ કિસ્સામાં તપાસ હાથ ધરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. જો તપાસ દરમિયાન કોઇ અધિકારીની ગેરરીતિ સામે આવે તો તેમની સામે ફોજદારી કેસ નોંધાવવાનો આદેશ હાઈકોર્ટે કર્યો છે.
કચ્છના લખપત તાલુકાના નાની છેર ગામના એક અરજદારની રજૂઆત છે કે, તેમણે વર્ષ 2006માં આ ગામમાં જમીન ખરીદી હતી. આ જમીનના પૈસા ચૂકવી ખરીદીની તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી. વર્ષ 2011માં રાજ્ય સરકારે ગુજરાત મિનરલ કોર્પોરેશન લિમિટેડના એક પ્રોજેક્ટ માટે જમીન સંપાદિત કરી હતી. તેમાં તેમની જમીનનો પણ સમાવેશ થતો હતો.
જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જમીનનું વળતર તેમને નહીં પરંતુ જુના માલિકને ચૂકવવામાં આવ્યું છે. વળતર માટે તેમણે સ્થાનિક કક્ષાએ ધણી રજૂઆતો કરી છે. પરંતુ આજદિન સુધી તેમને કોઇ પ્રતિસાદ મળ્યો નથી. મહેસૂલ વિભાગને પણ જાણકારી છે કે વર્ષ 2006માં તેમણે જમીન ખરીદી હતી પરંતુ કોઇ કાર્યવાહી થઇ નથી.