કચ્છ: કચ્છના મુંદરા શહેરનું જેરામસર તળાવ 15 વર્ષ બાદ છલકાતાં હોશભેર તળાવને વધાવવા એકત્ર થયેલા હજારો લોકોની મેદની અને આગેવાનોની આયોજનની ખામી વચ્ચે તળાવમાં નાળિયેર લેવા કુદેલા ઝાકરી કારા નામના યુવાનનો મૃતદેહ અંતે 28 કલાક બાદ મળી આવ્યો છે. આજે ભુજ નગરપાલિાકના ફાયર જવાનોની ટીમે તળાવમાંથી આ મૃતદેહ શોધી કાઢ્યો હતો.
ગત રોજ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં અને ગામના સરપંચ ધમેન્દ્ર જેસર દ્વારા ગ્રામજનોને આમંત્રણ આપીને તળાવ વધામણા માટે ઉપસ્થિત રાખ્યા હતા. કોરોના મહામારી વચ્ચે માસ્ક, સામાજિક અંતર સહિતના નિયમોના પોલીસ અન અન્ય અધિકારીઓની હાજરીમાં સરેઆમ ભંગ કરીને આયોજિત આ કાર્યક્રમમાં તળાવ પુજન બાદ નાળિયેર તળાવમાં પધરાવવામાં આવ્યુ હતું. આ નાળિયેર તલાવમાંથી લઈ આવનારને સરપંચ અને આગેવાનો બક્ષીસ આપે છે. સાહસિક યુવાનો તળાવમાં કુદે છે.
આ રીતે ગત રોજના આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને સરપંચ ધર્મેન્દ્ર જેસરના હસ્તે તળાવમા નાળિયેર પધારાયું હતું. સાહસિક યુવાનોને તળાવની સામે પાર ઉભા રખાયા હતા. નાળિયેર પધરાવતા જ ત્રણ યુવાનોએ તળાવમા ઝંપલાવ્યુ હતું. હજારોની ઉપસ્થિતીમાં ભોગ બનનાર મુળ જામનગર અને હાલે સુખપર (મુંદરા) રહેતો 2પ વર્ષીય યુવક કારા જાકીર હુસેન કામસભાઈ સૌની નજર સામે પાણીમાં કુદતાની સાથે જ તળાવના ઉંડા પાણીમાં ડુબી ગયો હતો. ગઈકાલથી જ સ્થાનિક તરવૈયાઓ તેને શોધી રહ્યાં હતાં, પરંતુ અંતે 28 કલાકની જહેમત બાદ આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે.
ગઈકાલે કોગ્રેસના રાષ્ટ્રીય નેતા શકિતસિહં ગોહિલે આ બેદરકારી અંગે તપાસ કરવાની માંગ કરી હતી. જ્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા મૃતકના પરિવારને રૂપિયા 10 લાખની સહાયની માંગ કરી જવાબદારો સામે પગલા ભરવા રજૂઆત કરી છે.