- ભૂજમાં ફાર્માસીસ્ટની ગેરહાજરીમાં દવાઓનું વેચાણ થતું હતું
- ફાર્માસીસ્ટ વગર ચાલતા મેડિકલ સ્ટોરને બંધ કરાવાયો
- મેડિકલમાં ફાર્માસીસ્ટનું પ્રમાણપત્ર અને લાઈસન્સ સહિતના આધાર પૂરાવા મેડિકલ સંચાલક દ્વારા રજૂ કરાયા
- મેડિકલ સંચાલકોને નોટિસ આપી સ્ટોર બંધ કરાવવામાં આવ્યા
કચ્છઃ એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે. તેવા સમયે લોકોને દવાની ખૂબ જરૂરિયાત હોય છે. તો આવા સમયે પણ લોકો સાથે છેતરપિંડી કરતા લોકો ખચકાતા નથી. આ જ રીતે કચ્છના ભૂજમાં ઘણા સ્થળોએ ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં દવાનું વેચાણ થતું હોવાની અનેક ફરિયાદો ઉઠી છે.
આ પણ વાંચો- રાજકોટમાં કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતી 6 દુકાન સીલ
ફરિયાદોના આધારે ડ્રગ્સ વિભાગની કાર્યવાહી
આ ફરિયાદોને ધ્યાનમાં રાખી ડ્રગ્સ વિભાગે તપાસ કરી મેડિકલ સંચાલકોને નોટીસ આપી સ્ટોર બંધ કરાવ્યા છે. બુધવારે સવારે ભૂજના હોસ્પિટલ રોડ પર જી. કે. જનરલની સામે આવેલી પ્રમુખ મેડિકલમાં તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી. તે દરમિયાન ફાર્માસીસ્ટ ગેરહાજર હતા, જેથી દવાઓનું ખરીદ-વેચાણ બંધ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો- અમદાવાદમાં બી.યુ. પરમિશન ન ધરાવતી ઓફિસ, દુકાન સહિત 514 એકમો સીલ
ફાર્માસીસ્ટ ગેરહાજર છતા દવાનું વેચાણ થતા કાર્યવાહી
આ મેડિકલ સ્ટોરમાં ફાર્માસીસ્ટની હાજરી વિના દવાઓનું ખરીદ વેચાણ થતું હોવાનું ચેકિંગમાં સામે આવ્યું છે, જેથી મેડિકલ સંચાલકને ફાર્માસીસ્ટની ગેરહાજરીમાં દવાઓ કઈ રીતે વેચાણ કરો છો? તે માટે નોટિસ આપવામાં આવી છે. મેડિકલમાં ફાર્માસીસ્ટનું પ્રમાણપત્ર અને લાઈસન્સ સહિતના આધાર–પૂરાવા મેડિકલ સંચાલક દ્વારા રજૂ કરાયા હતા. જોકે, ફાર્માસીસ્ટ ગેરહાજર હોતા કાર્યવાહી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, તંત્રની તપાસ બાદ મેડિકલના સંચાલકે જાતે જ શટર ડાઉન કરી નાખ્યા હતા.