કચ્છ: અબડાસા તાલુકાના જખૌ વિસ્તારના દરિયાઈ વિસ્તારમાંથી અવારનવાર કેફી દ્રવ્યોનો જથ્થો ઉપરાંત વિસ્ફોટક સેલ મળી રહ્યા છે. ત્યારે ગત મોડી સાંજે જખૌ નજીકના દરિયાકાંઠાના શિયાળ ક્રીક અને સૈયદ સુલેમાન પીર કાંઠા વિસ્તારમાંથી સ્ટેટ આઇબી અને જખૌ મરીન પોલીસને પેટ્રોલીંગ દરમ્યાન વિસ્ફોટક સેલ બિનવારસુ હાલતમાં મળી આવ્યો છે.
સેલની તપાસ હાથ ધરવામાં આવી: ઉલ્લેખનીય છે કે અગાઉ તારીખ 17 ઓગસ્ટના પણ જખૌના પિંગ્લેશ્વર નજીકના વિસ્તારમાંથી વિસ્ફોટક સેલ મળી આવ્યું હતું. ત્યારે ફરીથી આ વિસ્ફોટક સેલ મળતા સુરક્ષા એજન્સીઓ દ્વારા સ્થળ પર પહોંચીને વિવિધ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં ડોગ સ્કવોડ દ્વારા વિસ્ફોટક સેલની તપાસ હાથ ધરવામાં આવી છે. તો બહારથી ટીમ આવીને આ વિસ્ફોટક સેલનું નિરીક્ષણ કરીને તપાસ હાથ ધરશે. જાહેર કરશે કે આ વિસ્ફોટક સેલમાં વિસ્ફોટ થઈ ચૂક્યો છે કે બાકી છે.
બીજી વખત મળ્યું વિસ્ફોટક સેલ: કચ્છના જખૌ વિસ્તારના દરિયાઈ વિસ્તારમાંથી કેફી દ્રવ્યોનો જથ્થો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે તો સાથે છેલ્લાં 1 અઠવાડિયામાં બીજી વખત વિસ્ફોટક સેલ પણ મળી આવતા સુરક્ષા એજન્સીઓએ વધુ તપાસ હાથ ધરી છે અને સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યા છે. બીએસએફના જવાનો જખૌ કોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન જખૌ કોસ્ટથી 9 કિલોમીટર દૂર ઑગતરા બેટ પરથી ચરસનું એક પેકેટ મળી આવ્યું હતું.
94 જેટલા ચરસના પેકેટ: ઉલ્લેખનીય છે કે, જખૌના દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાનથી અવારનવાર દરિયાઈ મોજામાં તણાઈને ધોવાઈને પ્લાસ્ટિકના કોથળામાં 10-10ના પેકેટની પેકિંગમાં કેફી દ્રવ્યોનો જથ્થો મળી આવતો હોય છે. ત્યારે આજે એક પેકેટ તણાઈને બેટ પર પહોંચી આવ્યું હતું. ઝડપાયેલ ચરસના પેકેટ પર બ્લેક કોફી ડાર્ક સુપ્રીમો પ્રિન્ટ કરેલું છે.જખૌના દરિયાઈ વિસ્તારમાંથી 15મી એપ્રીલથી આજદિન સુધીમાં બીએસએફ દ્વારા 94 જેટલા ચરસના પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. ત્યારે બીએસએફના જવાનોએ જખૌના દરિયાઈ વિસ્તારની આસપાસના બેટ અને ટાપુઓ પર સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.