કચ્છ : ભુજના કચ્છી લેવા પટેલ સમાજ સ્થિત સરદાર પટેલ વિદ્યા સંકુલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકના અંતિમ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી હતી. તેઓએ આ ત્રિ-દિવસીય બેઠક દરમિયાન ચર્ચામાં લેવાયેલા વિષયો અંગે વાતચીત કરી હતી.
અખિલ ભારતીય કાર્યકારી મંડળ બેઠક : વર્ષમાં બે વખત RSS અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક યોજવામાં આવે છે. જેમાં માર્ચ મહિનામાં પહેલી વાર અને દશેરા પછી અને દિવાળી પહેલા બીજી વાર બેઠક યોજવામાં આવતી હોય છે. ગત વર્ષે પ્રયાગરાજમાં આ બેઠક યોજાઈ હતી. ત્યારે આ વર્ષે કચ્છ જિલ્લામાં યોજાયેલી બેઠકમાં કચ્છ અને સૌરાષ્ટ્રના સ્વયંસેવકો દ્વારા દેશભરમાંથી અખિલ ભારતીય કાર્યકારી બેઠકમાં આવેલા સભ્યોને ખૂબ જ સારી રીતે આવકારવામાં આવ્યા હતા. કચ્છની સંસ્કૃતિમાં અતિથિનો સત્કાર કરવાની પરંપરા છે તે ખૂબ જ સારી રીતે નિભાવવામાં આવી હતી.
દત્તાત્રેય હોસબાલેનું સંબોધન : સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે 2001 માં કચ્છમાં આવેલા ભૂકંપ અંગેની વાત કરી હતી અને ભૂકંપના 3 દિવસ બાદ તેઓએ કચ્છની મુલાકાત લીધી હતી. તે સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવેલ સહાય કાર્યો અંગે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, સંઘ દેશના બે ખૂણાને જોડવાનું કામ કરે છે. દેશના પૂર્વ છેડે ત્રિપુરા છે અને પશ્ચિમ છેડે કચ્છ છે. સંઘની આ બેઠકમાં અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવી છે.
સંઘે વ્યક્તિ નિર્માણનું કાર્ય કર્યું : ત્રિદિવસીય અખિલ ભારતીય કાર્યકારી બેઠકમાં બે પ્રકારના કાર્યો અંગે વાત કરવામાં આવી હતી. જેમાં શાખાના માધ્યમથી વ્યક્તિ નિર્માણ કાર્ય અંગે વાત કરવામાં આવી. સંઘે પાછલા 98 વર્ષથી આગ્રહ પૂર્વક દેશ માટે ઊભા રહેવા વાળા વ્યક્તિના નિર્માણનું કાર્ય કર્યું છે. સમગ્ર રાષ્ટ્ર માટે વિચારવા વાળા, દરરોજ સમય આપવા વાળા વ્યક્તિઓને સંઘમાં જોડાવા અને તેમને પ્રશિક્ષણ આપી પદ પ્રતિષ્ઠાનો મોહ ન રાખવા વાળા વ્યક્તિના નિર્માણ માટે સંઘે કામ કરવાનું શરૂ કર્યું હતું.
દેશભરમાં શાખા મંડળનું નેટવર્ક : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ સુધી 59,060 મંડળમાં શાખા છે. તે દેશભરમાં કાર્યરત થાય તે માટે કામ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 38,000 મંડળમાં શાખા લાગી રહી છે. વર્ષ 2025 સુધીમાં જે લક્ષ્યાંક છે તે પૂર્ણ કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હાલમાં શાખાની સંખ્યા કે જેમાં દૈનિક શાખા અને સાપ્તાહિક શાખા બંને મળીને 95,528 શાખા લાગી રહી છે. શાખામાં શિશુ સ્વયંસેવકથી માંડીને વૃદ્ધ સ્વયંસેવકો પણ જોડાય છે. 37,00,900 જેટલા નિત્ય શાખા સાથે સંકળાયેલા સ્વયંસેવકો છે.
દેશના પૂર્વ છેડે ત્રિપુરા છે અને પશ્ચિમ છેડે કચ્છ છે. સંઘ દેશના બે ખૂણાને જોડવાનું કામ કરે છે. સંઘે પાછલા 98 વર્ષથી આગ્રહ પૂર્વક દેશ માટે ઊભા રહેવા વાળા વ્યક્તિના નિર્માણનું કાર્ય કર્યું છે. -- દત્તાત્રેય હોસબાલે (સરકાર્યવાહ RRS)
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે જનસંપર્ક અભિયાન : 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં આયોજિત રામ મંદિરના સ્થાપના સમારોહ અને દેશભરમાં તેને લગતા પ્રસ્તાવિત કાર્યક્રમો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સંઘના વડા ડો. મોહન ભાગવતને પણ મહોત્સવમાં ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ઐતિહાસિક ક્ષણ માટે સંઘ દ્વારા 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી એક વ્યાપક જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં સમગ્ર ભારતમાં 4 થી 5 લાખ ગામડાઓમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રામલલ્લા મંદિરનું ઘરે-ઘરે આમંત્રણ અને તેમના દર્શન માટે વ્યાપક જનસંપર્ક અભિયાન કરવામાં આવશે. ઉપરાંત અનુષ્ઠાન પણ કરવામાં આવશે.
સમાજ પરિવર્તનના 5 આયામો : શતાબ્દી વર્ષ નિમિત્તે સમાજ પરિવર્તનના 5 આયામો આગ્રહપૂર્વક સામે મૂકવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ સ્વયંસેવક ત્યારબાદ શાખાના સ્તરે અને ત્યારબાદ વ્યાપક સમાજના સ્તરે અમલીકરણ કરવામાં આવશે. જેમાં પ્રથમ આયામ સામાજિક સમરસતા, બીજો આયામ પરિવાર પ્રબોધન જેમાં ધર્મ અને સંસ્કૃતિની રક્ષા અંગે વાત કરવામાં આવી હતી. ત્રીજા આયામમાં પર્યાવરણની રક્ષા જેમાં વૃક્ષો વાવવા, પાણી બચાવવું અને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો હતું. ચોથા આયામમાં સ્વદેશી જીવન શૈલી જેમાં માતૃભાષા અને સ્વદેશી પ્રોડક્ટ અંગેનો આગ્રહ તેમજ પાંચમો આયામ નાગરિક કર્તવ્ય અંગે ચર્ચા કરવામાં આવી છે.
સંઘના પ્રશિક્ષણ વર્ગમાં ફેરફાર : આ બેઠકમાં સંઘના પ્રશિક્ષણ વર્ગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સ્વયંસેવકોને 21 દિવસ માટે ટ્રેનિંગ આપવામાં આવે છે. નાગપુરમાં 25 દિવસની ટ્રેનિંગ આપવામાં આવે છે. વર્તમાન સમયના સંદર્ભે જરૂરી પરિવર્તન કરવાની યોજના પણ આ બેઠક દરમિયાન બનાવવામાં આવી છે. જેમાં સામનુર રીતે વર્ગ દરમિયાન 21 દિવસ માટે એક જ સ્થળે રહેવું પડતું હતું. તેમાં પરિવર્તન લાવી હાલમાં પ્રેક્ટિકલ શિક્ષણ માટે 5 દિવસ માટે સેવા પ્રકલ્પ તેમજ સમાજના પ્રોજેક્ટ કે ગામમાં સેવા પ્રકલ્પ માટે લઈ જવામાં આવશે. યુવાઓ માટે તેમજ 40 થી 50 વર્ષથી ઉપરની વયના સ્વયંસેવકો માટે સંઘના પ્રશિક્ષણ વર્ગમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
સીમાવર્તી ક્ષેત્રના વિકાસ માટે ચર્ચા : આ બેઠકમાં સીમાવર્તી ક્ષેત્રોના વિકાસ માટે પણ ચર્ચા કરવામાં આવી છે. સીમાવર્તી વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય, શિક્ષણ અને સ્વાવલંબન અંગે ચર્ચા કરવામાં આવી છે. સુરક્ષાના સંદર્ભમાં સુરક્ષા એજન્સીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. સીમાવર્તી ક્ષેત્રો માટે સ્વયંસેવકો દ્વારા પણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આવનાર દિવસોમાં યોજાનાર પ્રવાસ, ઉત્સવો અને કાર્યક્રમોની ચર્ચા આ બેઠક દરમિયાન કરવામાં આવી હતી. વિજયાદશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડો. મોહન ભાગવત દ્વારા કરવામાં આવેલા સંબોધનની પણ સમાજના લોકોને સાથે રાખીને ચર્ચા કરવામાં આવી છે.
દેશભરના સ્વયંસેવક જોડાયા : આમ, ત્રિદિવસીય અખિલ ભારતીય કાર્યકારી બેઠકમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી છે. આ બેઠક દરમિયાન 385 કાર્યકર્તાઓની ઉપસ્થિતિ અપેક્ષિત હતી. તેમાંથી વિવિધ સંગઠનોના અખિલ ભારતીય સંગઠન મંત્રીઓ સહિત દેશભરમાંથી લગભગ 357 પ્રતિનિધિઓ બેઠકમાં સહભાગી થયા હતા.