મુન્દ્રાઃ અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલાએ શુક્રવારના રોજ મુન્દ્રાના શાસ્ત્રી મેદાન ખાતે તિરંગાને સલામી આપી પરેડ નિરીક્ષણ કરવાની સાથે માર્ચપાસ્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમોનાં આયોજન ઉપરાંત વિવિધ વિભાગના ટેબ્લો સહિતની બાબતોની સમીક્ષા કરી હતી. શાસ્ત્રી મેદાન ખાતે પ્રજાસત્તાક પર્વની તૈયારીઓના ભાગરૂપે પરેડ નિરીક્ષણ, માર્ચપાસ્ટ અને શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં દેશભક્તિનો અનેરો માહોલ સર્જાયો હતો.
જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી.એમ.પ્રજાપતિ અને પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર દ્વારા શાળાના બાળકોનાં કાર્યક્રમોને વધુ સારી રીતે રજૂ કરવા અને જાજરમાન બનાવવા સ્થળપર માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત ગૌરવ ગાન, દેશભક્તિ નૃત્ય, ફયુઝન ડાન્સ, યોગ અને સૂર્ય નમસ્કાર, બેગપાઇપર બેન્ડ, ડોગ દ્વારા વિવિધ કરતબોનું નિદર્શન ઉપરાંત બેન્ડ સુરાવલી સાથે ‘વંદે માતરમ’ પ્રસ્તુત કરાયું હતું.
આ પ્રસંગે ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.કે.જોષી, મુન્દ્રા પ્રાંત કે.જી.ચૌધરી, ડીવાયએસપી જે.એન.પંચાલ, મુન્દ્રા સરપંચ ધર્મેન્દ્ર જેસર, ડો. કુરમી, કાર્યપાલક ઇજનેર જે.એમ.સોલંકી, નાયબ મામલતદાર યશોધર જોષી, મહાવીરસિંહ ઝાલા શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ પોલીસ વિભાગની વિવિધ પ્લાટુન અને અધિકારીગણ ઉપસ્થિત રહ્યો હતો.