- કચ્છમાં 20,000 કાર્ડધારકોને અપાતું રાશન બંધ કરાયું
- બ્લોક થયેલા કાર્ડને શરૂ કરવા કચેરીઓના ખાવા પડશે ધક્કા
- 31 ઓગસ્ટ સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરી દેવા આદેશ
કચ્છ : કોરોના કાળમાં લોકડાઉન તેમજ હાલના સમયે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ નિઃશુલ્ક રાશન આપવામાં આવી રહ્યું છે. ઘણા લોકો દર મહિને વ્યાજબી ભાવે તેમજ PMGKY યોજના અંતર્ગત રાશન મેળવી રહ્યા છે, તો ઘણા મધ્યમ વર્ગના લોકો એવા પણ છે કે, જે સરકારી નિઃશુલ્ક રાશન લેવાના બદલે અન્ય જરૂરિયાતમંદ માટે જતું કરી રહ્યા છે, આથી હવે મફતનું રાશન ન લેનારા લાભાર્થીઓના રાશનકાર્ડ બ્લોક કરી દેવાવ છે, જેથી 'ઘરમ કરતા ધાડ પડી' હોય તેમ થોપી બેસાડેલા નિયમથી પોતાનું રાશનકાર્ડ ચાલું કરવા લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડશે.
આ પણ વાંચો: ગુજરાતના 3.41 કરોડ લોકોને Free સરકારી અનાજનો લાભ મળશે
રાશનકાર્ડ બ્લોક કરાયા
રાજ્ય સરકારના નિયામક અન્ન અને નાગરિક પુરવઠા કચેરી દ્વારા એક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે, જેમાં જણાવાયું કે, કોરોનાની વિષમ પરિસ્થિતિમાં પણ છેલ્લા 6-12 મહિનામાં જે કાર્ડ ધારકોએ રાહત દરના રાશન તેમજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળના વિનામૂલ્યે રાશનનો લાભ લીધો નથી, તેવા રાશનકાર્ડ ધારકોની ખરાઈ થવી જરૂરી છે, જેથી 6 કે 12 માસથી રાશન ન લેનારા રાશનકાર્ડ ધારકોને સાયલન્ટ રાશનકાર્ડ તરીકે લેખાવી આ કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે. આથી, આ કાર્ડ પર રાશન મળી શકશે નહીં. જો તમારૂં નામ આ યાદીમાં હશે તો તમને સરકારી કચેરીમાં કાર્ડ શરૂ કરવા માટે ધક્કા ખાવા પડશે.
1લી સપ્ટેમ્બરથી સાયલન્ટ રાશનકાર્ડને કરાશે બંધ
સિસ્ટમમાંથી બ્લોક કરવામાં આવેલા રાશનકાર્ડ પર લાભાર્થી દ્વારા અનાજ મેળવવા માટે મામલતદાર કચેરી અથવા ઝોનલ કચેરીનો સંપર્ક કરી રાશનકાર્ડના તમામ સભ્યોના આધારકાર્ડ E-KYC ની કામગીરી કરાવવી પડશે. જે બાદ જ રાશન મળશે. 31 ઓગસ્ટ સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરી લેવા જણાવાયું છે. 1લી સપ્ટેમ્બરથી આ પ્રકારના સાયલન્ટ રાશનકાર્ડ અનટાઈટલમેન્ટ કરી નોન NFSA કરવામાં આવશે.
આ પણ વાંચો: સરકારના આયોજનમાં વહીવટી તંત્ર રહ્યું પાછળ, નિઃશુલ્ક રાશન વિતરણમાં લાભાર્થીઓ પરેશાન
કચ્છ જિલ્લામાં 20,000 જેટલા રાશનકાર્ડ સાયલન્ટ કરાયા
કચ્છ જિલ્લામાં અંદાજે 20,000 જેટલા રાશનકાર્ડ સાયલન્ટ કરવામાં આવ્યા છે. 3 માસ, 6 માસ કે 1 વર્ષથી રાશન ન મેળવતા લાભાર્થીઓના કાર્ડ બ્લોક કરી દેવાયા છે, જેમાં ભુજમાં 6649, લખપતમાં 926, રાપરમાં 1628, અંજારમાં 4444, નખત્રાણામાં 1209, અબડાસામાં 2060, માંડવીમાં 1223, મુન્દ્રામાં 337, ગાંધીધામમાં 1202, ભચાઉમાં 250 કાર્ડનો સમાવેશ થાય છે.
જાણો શું કહ્યું જિલ્લા પુરવઠા અધિકારીએ ?
જિલ્લા પુરવઠા અધિકારી ડૉ. રીના ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લાં 12 માસથી જે લાભાર્થીએ રાશન કાર્ડનો ઉપયોગ નથી કર્યો, તેમનું કાર્ડ સાયલન્ટ થઈ જાય છે અને આવા કાર્ડ ધારકોએ તેમને તેમના કાર્ડ પાછા શરૂ કરવા માટે મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરીને ચાલુ કરાવી શકશે.