રાજયના જનગણનાના નિયામક પી.કે.સોલંકી(આઇએએસ) દ્વારા ભચાઉની રૂબરૂ મુલાકાત લઇને તંત્રના અધિકારીઓ અને ગણતરીદારો, સુપરવાઇઝરોને સાથે રાખીને જનગણના કાર્ય સંલગ્ન તમામ પાંસાઓની છણાવટ કરી કરમરીયા ગામે સ્થાનિકે નાગરિકના ઘરની પ્રત્યક્ષ મુલાકાત લઇ સ્થળ પર જ મોબાઇલ એપ્લીકેશન દ્વારા ડેટા એન્ટ્રીની કામગીરી કરાવીને થઇ રહેલ કામગીરી નિહાળી હતી.
ભચાઉ-રાપરના નાયબ કલેકટર સુશીલ પરમાર, મામલતદાર કે.જી.વાછાણી, નોડલ અધિકારી સી.આર.વિણાધર, સુપરવાઇઝર કાંતિભાઈ પ્રજાપતિ સહિતનાં અધિકારીઓની ટીમ સાથે રાજયના જનગણના નિયામક પી.કે.સોલંકીએ સૌ પ્રથમ કરમરીયાની પંચાયતી પ્રાથમિક શાળામાં ગણતરીદારો અને સુપરવાઇઝરો સાથે બેઠક કરીને ૭૩ બ્લોકમાં હાથ ધરાયેલ ૨૦૨૧ની જનગણના કાર્યની સાથે-સાથે દર પાંચ વર્ષે કરવાની નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર(એનપીઆર) અપડેટેશનની કામગીરીનાં પણ લેખાં-જોખા લઇ સમીક્ષા સાથે જરૂરી નિર્દેશો અને માર્ગદર્શન આપ્યાં હતા.
જનગણના નિયામક સોલંકીએ મોબાઇલ એપ્લીકેશન દ્વારા કરાતી જનગણના સાથો-સાથ દર પાંચ વર્ષે કરાતી એનપીઆર અપડેટેશનની કામગીરીની ઝીણવટભરી ચકાસણી કરીને ગણતરીદારો અને સુપરવાઇઝરો દ્વારા સ્થાનિકે કરાતી ડેટા કલેકશનના નકશા, ફોર્મ, પત્રકો, રજિસ્ટરની પેપર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. બાદમાં સોલંકી અને સમગ્ર ટીમે જનગણના કર્મચારીઓ દ્વારા નિયત નમૂનામાં ભરાયેલી વિગતોની ખરાઇ કરવા કરમરીયા ગામે એક બ્લોકમાં કરાયેલ કામગીરીની હકીકતલક્ષી તપાસ કરવા નાગરિકોના ઘરે જઇને મુલાકાત લીધી હતી.
તેમજ સ્થળ પર જ મોબાઇલ એપ્લીકેશનમાં ઘરની સભ્ય સંખ્યા, ઘરના માલિકીના નામથી લઇ મોબાઇલ નંબર, સ્ત્રી-પુરૂષ સભ્યોની સંખ્યા, ઘરમાં આવેલ રૂમ-રસોડાં, બાથરૂમ-નળ છે કે કેમ, ટાઇલ્સ, આરસીસી છતવાળું નળીયાવાળું હોય તો તેની વિગતો, ટુંકમાં મકાનની ભૌતિક કંડીશન, ગેસ કનેકશન, સાઇકલ-વાહનો, મોબાઇલ, ટી.વી. કોમ્પ્યુટર, ઇન્ટરનેટ કનેકશન જેવી ઘરની સામાન્ય માહિતીઓનું ડેટા એન્ટ્રી કાર્ય કરાવી ૨૦૨૧નાં થઇ રહેલા જનગણના કાર્યનો પ્રી-ટેસ્ટ લીધો હતો.
આ ઉપરાંત જનગણના સાથે-સાથે કરાઇ રહેલી એનપીઆર અપડેટેશન કરવા અગાઉ રજિસ્ટરમાં દર્શાવેલ પરિવારની વિગતોમાં લગ્ન પછી વિભકત થયેલા સંતાનો પરિવારની વિગતો રજિસ્ટરમાં અપડેટ કરવી તેમજ એ જ પરિવારમાંથી વિભકત અથવા ગુજરી ગયા હોય તેઓનાં નામ કમી કરવા સહિતની અપડેટેશનની કામગીરીની ઝીણામાંઝીણી બાબતોની છણાવટ કરી જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પણ આપ્યું હતું. સોલંકીએ એપમાં સીધી એન્ટ્રી કરવા સહિત તેમાં સુધારાઓ પણ કઇ રીતે કરી શકાય છે, તે અંગેનું પણ સઘળું માર્ગદર્શન આપ્યું હતું.