- માંડવી બીચ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા
- લોકોએ કોરોના ગાઈડલાઈનના ઉડાવ્યા ધજાગરા
- ભીડમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ભૂલ્યા
કચ્છ : આજે રવિવારે કચ્છ જિલ્લાના માંડવી બીચ પર હજારોની સંખ્યામાં લોકો શનિવાર અને રવિવારની રજા માણવા ઉમટી પડ્યા છે. હાલ રાજ્યમાં કોરોનાના કેસ ભલે ઘટી રહ્યા હોય, પરંતુ હજુ પણ કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો ખતરો ગમે ત્યારે આવી શકે તેમ છે. રવિવારે માંડવી બીચના આ દ્રશ્યો જોઈને ચોક્કસપણે કહી શકાય કે, લોકો સામેથી જ ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા છે અને ખુલ્લેઆમ કોરોના ગાઈડલાઈનનો ભંગ કરીને બેજવાબદારીપૂર્વક ફરવા માટે નીકળી રહ્યા છે.
તંત્રએ નોંધ લઇને તાત્કાલિક પગલાં લેવા જોઈએ
તંત્ર દ્વારા બીચ પર હોટલ, લારી ગલ્લા ધારકોને પણ ધંધો રોજગાર કરવા માટે છૂટ આપવામાં આવી છે. ત્યારે લોકો પણ ભાન ભૂલીને ઘર બહાર નીકળ્યા છે અને કોરોનાને નોતરી રહ્યા છે. કચ્છમાં આવેલા અનેક પ્રવાસન સ્થળો પર આ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. જેની તંત્રએ નોંધ લેવી જોઈએ અને તાત્કાલિક પગલાં લેવા જોઈએ. કારણ કે, જો આવા જ દ્રશ્યો સતત જોવા મળશે તો ચોક્કસપણ કોરોનાની ત્રીજી લહેર ખૂબ જ ઝડપથી જોવા મળી શકે છે.