- શુદ્ધ નસલનો નંદી રૂપિયા અઢી લાખ આપીને ખરીદાયો
- ગાય માતાની માત્ર જય બોલવાથી સ્થિતિ સુધરવાની નથી
- શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટના ટ્રસ્ટીએ નંદીની ખરીદી કરી
કચ્છ : કાંકરેજ સંવર્ધન યાત્રા દ્વારા કેયારી ગામના પશુપાલક રઘુભાઈ પાસેથી ખરીદાયેલા નંદી સાથેની યાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી. કચ્છમાં વંશવેલો સચવાયેલો રહે તે માટે લખપત તાલુકાના કેયારી ગામે રહેતા પશુપાલક પાસેથી શુદ્ધ નસલનો નંદી રૂપિયા 2 લાખ 50 હજાર આપીને ખરીદાયો હતો. શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટના ટ્રસ્ટી મનોજ સોલંકીએ છેવાડાના વિસ્તારમાં રહીને ગાયોની સેવા કરતા ગોપાલક પરિવારની કદર કરી હતી અને કહ્યું હતું કે, તેઓના પ્રયાસ થકી જ આજે ગાયોની ઓલાદની જળવાઈ રહી છે. લોકોને સારા દૂધ-ઘી મળી રહ્યા છે તેમના સન્માન રૂપે આવડી મોટી કિંમત ચૂકવવામાં આવી છે. જે આવનારા સમયમાં આ નંદી થકી શુદ્ધ નસલ મળશે. જે આવનારા સમય માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
નંદીનો ઢોલ શરણાઇ સાથે સત્કાર
આ નંદી જયાં રહેવાનું છે તે શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમામાં આ નંદીનો ઢોલ શરણાઇ સાથે સત્કાર કરાયો હતો. ઉપસ્થિત ગ્રામજનોની હાજરીમાં ગૌ વંશના મહત્વની સમજ અપાઇ હતી. મેનેજીંગ ટ્રસ્ટી મનોજભાઈએ જણાવ્યું કે, ગાય માતાની માત્ર જય બોલવાથી સ્થિતિ સુધરવાની નથી પરંતુ તેનો વંશવેલો સુધારવા માટે આવા નંદીઓનું જતન કરવું એ પણ જરૂર છે. આ યાત્રા દરમિયાન શાંતિલાલ સેંઘાણી, પરબત ગોરસીયા, મેઘજી હીરાની, દિપક પટેલ ,દીપક સોલંકી અને મનોજ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.