કચ્છના માંડવીમાં સુંદર રમણીય બીચ આવેલું છે.આ બીચ પર દિવાળી રણોત્સવમાં દર વર્ષે લાખો પ્રવાસીઓ માંડવી બીચની મુલાકાત લેવા આવે છે. જો કે, માંડવી બીચ પર પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળતો હોવાથી પ્રવાસીઓ નિરાશ થઈને જાય છે. ખાસ કરીને માંડવી બીચ પર સફાઈનો ખૂબ જ અભાવ જોવા મળી રહ્યો છે. અહીં દરિયા કિનારે ગંદકી તેમજ રખડતા ઢોરનું સામ્રાજ્ય જોવા મળે છે.
રાજ્ય સરકાર અને પ્રવાસન વિભાગ પ્રવાસીઓને આકર્ષવા માટે કરોડો રૂપિયા જાહેરાત પાછળ ખર્ચે છે. 'કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા' પ્રવાસન વિભાગની જાહેરાતે ભારે આકર્ષણ ઉભું કર્યું છે. જેથી દરરોજ લાખો પર્યટકો માંડવી બીચની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે આ સ્થિતિ તંત્રના મીઠા આવકાર પર મેખ સમાન લાગે છે. કારણ કે, માંડવી બીચ પર સુવિધાઓ વિકસાવવા માટે પ્રવાસીઓ માગ કરી રહ્યા છે.
પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે આ સ્થળ પાછળ લાખો રૂપીયાની ગ્રાન્ટ વાપરવામાં આવે છે.તો પણ માંડવી બીચને પ્રવાસન વિભાગ દ્વારા ડેવલોપમેન્ટ કરવામાં આવે તેવી લોકો દ્વારા માગ છે.બીજીતરફ દરિયાકિનારે સુરક્ષાનો મુદ્દો પણ મહત્ત્વનો બની ગયો છે. કારણ કે,માંડવી બીચ ગેરકાયદેસર બોટિંગ થઈ રહ્યું છે.કોઈપણ પ્રકારની મંજુરી વગર ગેરકાયદેસર બોટ દરિયામાં ચાલે છે,પરંતુ કોઈ પગલા ભરાતા ન હોવાથી સ્થિતિ થોડા દિવસમાં જૈસે થે વૈસે થઈ જાય છે.