કચ્છ: નરનારાયણ દેવની મૂર્તની પ્રતિષ્ઠાને 200 વર્ષ પૂર્ણ થતાં દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે જેના માટે એક વિશાળ વૈદિક યજ્ઞ શાળા ઊભી કરવામાં આવી રહી છે. જેમાં ભવ્યાતિભવ્ય 200 કુંડી મહાવિષ્ણુયાગ મહાયજ્ઞ કરવામાં આવશે. લાકડા અને ઘાસમાંથી આ 200 ફૂટ લાંબી, 200 ફૂટ પહોળી અને 51 ફૂટ ઊંચી યજ્ઞ શાળા બનાવવામાં આવી છે.
200 કુંડી વૈદિક યજ્ઞશાળા: ભુજ સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રીય સ્વામી દેવચરણ દાસજીએ માહીતી આપતાં જણાવ્યું હતું કે, "ભુજ મંદિર દ્વારા વખતો વખત મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હોય છે જેમાં દેશ દુનિયાથી લોકો ખાસ કચ્છ આવે છે અને યજ્ઞનો લાભ લે છે. ભુજ મંદિર દ્વારા નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ 18મી એપ્રિલથી 26 એપ્રિલ ઉજવવામાં આવશે ત્યારે ભવ્યાતિભવ્ય મહાયજ્ઞ મહોત્સવ ભુજ ખાતે યોજવામાં આવી રહ્યું છે. આ વૈદિક યજ્ઞશાળામાં 200 કુંડી મહાવિષ્ણુયાગ કરવામાં આવશે. આ વૈદિક યજ્ઞશાળામાં 200 હવનકુંડ ઊભા કરવામાં આવ્યા છે. યજ્ઞ કુંડમાં એકસાથે 600 દંપતીઓ આહુતિ આપશે અને આ મહાયજ્ઞનો લાભ લેવા માટે અત્યારથી જ 8000 જેટલા દંપતીઓએ પોતાનું નામ નોંધાવ્યું છે."
51 ફૂટ ઊંચી અને 200 ફૂટ લાંબી પહોળી યજ્ઞશાળા: ભુજની ભાગોળે નરનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાશે ત્યારે મુખ્ય દ્વારથી અંદર પ્રવેશતાની સાથે જ ડાબી બાજુએ એક વિશાળ યજ્ઞશાળા ઊભી કરવામાં આવી છે. આ ભવ્ય મહોત્સવને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે મહોત્સવ સ્થળ પર તૈયારીઓનો ધમધમાટ ચાલુ છે. આ ભવ્ય વૈદિક યજ્ઞશાળા 200 ફૂટ લાંબી, 200 ફૂટ પહોળી અને 51 ફૂટ ઊંચી છે. આ યજ્ઞશાળા સંપૂર્ણરીતે વેદિક પદ્ધતિ વડે બનાવવામાં આવી છે જેમાં માત્ર લાકડા અને ઘાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો ગોબરથી લીંપણ પણ કરવામાં આવ્યું છે.
225 જેટલા ભૂદેવો યજ્ઞશાળામાં વેદિક મંત્રોચ્ચાર કરશે: બદ્રિકાશ્રમ ધામ ખાતે 18મી એપ્રિલના સવારના 7 વાગ્યે આ 200 કુંડી મહાવિષ્ણુયાગનો પ્રારંભ થશે. આ મહાવિષ્ણુયાગ માટે દરેક કુંડી પર એક ભૂદેવ સાથે ત્રણ દંપતી યજ્ઞમાં આહુતિ આપશે. સાત દિવસ સુધી ચાલનાર આ મહાયજ્ઞમાં 225 જેટલા ભૂદેવો યજ્ઞશાળામાં વેદિક મંત્રોચ્ચાર કરશે. આમ તો કુલ 4200 જેટલા દંપતી ભાગ લઈ શકશે પરંતુ આ મહાયજ્ઞમાં આહુતિ આપવાનો લાભ લેવા માટે 4200 દંપતીની જગ્યા સામે અત્યાર સુધીમાં 8000 જેટલા દંપતીઓએ મહાયજ્ઞનો લાભ લેવા પોતાનું નામ નોંધાવ્યું છે.
આ પણ વાંચો Saurashtra Tamil Sangamam : સંબંધોને જીવિત કરવા સૌરાષ્ટ્ર તમિલ સંગમ માટે મદુરાઈથી પ્રથમ ટ્રેન ઉપડી
100 થી વધારે ભૂદેવો યજ્ઞોપવિત ધારણ કરશે: આ વિશાળ વૈદિક યજ્ઞશાળામાં મહાવિષ્ણુયાગની સાથે સાથે ભૂદેવોને યજ્ઞોપવિત ધારણ કરવા માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં અત્યારસુધીમાં 100 થી વધારે ભૂદેવોના નામ નોંધાઈ ચૂક્યા છે તો હજી પણ ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આ મહાયજ્ઞ શરૂ થવા સુધી કોઈ ભૂદેવોને યજ્ઞોપવિત ધારણ કરવા માટેના નામો નોંધાવા અપીલ કરવામાં આવી છે.