નડિયાદ : નડિયાદ સહિત ખેડા જિલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે નડિયાદ અને ડાકોરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત નડિયાદના એક ગરનાળામાં વિદ્યાર્થીઓની બસ ફસાઈ જતા સ્થાનિકો દ્વારા વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.
ગરનાળામાં વિદ્યાર્થીઓની બસ ફસાઈ : વરસાદને લઈ સવારે શહેરના શ્રેયસ ગરનાળામાં પાણી ભરાયા હતા. જેમાંથી પસાર થવા જઈ રહેલી કોલેજ બસ ફસાઈ ગઈ હતી. પાણી ભરાયેલા ગરનાળામાંથી ચાલકે બસ પસાર કરતા ગરનાળામાં અધવચ્ચે બસ ખોટકાઈ હતી. ગરનાળામાં અધવચ્ચે બસ બંધ પડી જતા કોલેજના વિદ્યાર્થીઓ બસમાં ફસાયા હતા. આસપાસના નાગરિકો દ્વારા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરી બસની બારીમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.
જિલ્લામાં સાર્વત્રિક વરસાદ : નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. સવારથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છુટા છવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. નડિયાદ, મહુધા, ઠાસરા, ડાકોર તેમજ ગળતેશ્વર સહિતના વિસ્તારમાં વરસાદ થયો છે. વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક ફેલાઈ જવા પામી હતી. જેને લઈ લોકોને ઉકળાટથી રાહત મળી હતી.
પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી : નડિયાદમાં સામાન્ય વરસાદ થતાં તંત્રની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલ્લી હતી. વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સામાન્ય વરસાદમાં જો આ સ્થિતિ હોય તો મુશળધાર વરસાદ પડે તો શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે, ત્યારે શહેરમાં તંત્રની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલ્લી જવા પામી છે.
નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી : નડિયાદમાં વરસાદને કારણે વિવિધ નીચાણવાળા વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. શહેરના વૈશાલી ગરનાળા, માઈ મંદિર ગરનાળા, ખોડીયાર ગરનાળા અને રબારીવાડ વિસ્તારમાં પાણી ભરાયા હતા. પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ રણછોડરાય મંદિર પરિસર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેને લઈ દર્શનાર્થીઓ સહિત સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે નગરપાલિકાની અણઘડ કામગીરીને પગલે ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદમાં પણ અવારનવાર મંદિર પરિસરમાં પાણી ભરાઈ જાય છે.