- રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત દેશભરમાં વેક્સિન લેવા પડાપડી
- વેક્સિન લેવા આવનારા લોકો માટે ભુજમાં નવતર પ્રયોગ
- વેક્સિનેશન માટે ડ્રાઈવ થ્રૂ શરૂ કરવામાં આવ્યું
ભુજ: દેશભરમાં ચાલી રહેલી વેક્સિનેશન ડ્રાઈવમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત મોટાભાગના રાજ્યોમાં વેક્સિનેશન પ્રક્રિયામાં આયોજનના અભાવે લાંબી કતારો જોવા મળી રહી છે. આ કતારોમાં લોકોને વેક્સિન લેવા માટે કલાકો સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. એવામાં કચ્છ જિલ્લાના ભુજ ખાતે આવેલી આર. ડી. વરસાણી હાઈસ્કૂલના મેદાનમાં આરોગ્ય તંત્ર દ્વારા ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન કેમ્પ યોજીને નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં RT-PCR ટેસ્ટ માટે જ આ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવી હતી. આ નવતર પ્રયોગને લોકોમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
સમગ્ર સુવિધા સરળ બનાવવાનો મુખ્ય હેતુ
કો-વિન વેબસાઈટ અથવા આરોગ્ય સેતુ પર પોતાના કોરોનાના વેક્સિનેશનઅંગેનું રજીસ્ટ્રેશન કરાવી પોતાનો સ્લોટ બુક કરાવીને અહીં લોકો પોતાના વાહનમાં બેસીને વેક્સિન લઈ શકે છે. અહીં વેક્સિનેશન માટે પૂરતું સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અહીં કોઈ લાંબી લાઈનો લાગતી નથી અને ઝડપથી વેક્સિનેશનની પ્રક્રિયા થતી હોવાથી સંક્રમણનો ભય પણ રહેતો નથી.
વેક્સિન આપ્યા બાદ જરૂરી માર્ગદર્શન અને દવાનું વિતરણ
વેક્સિનેશન બાદ ટૂ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકો માટે અડધો કલાકમાં વેક્સિનની કોઈ આડઅસર થાય છે કે નહિ, તે જાણવા માટે તેમને બેસવા માટે પણ મંડપ બાંધીને વ્યવસ્થા કરવામાં આવી છે અને આ ઉપરાંત તમામને વેક્સિનની અસરથી તાવ આવે તો દવા પણ આપવામાં આવી રહી છે. આ વેક્સિનેશન સેન્ટર પર સવારના 8થી 11 અને સાંજે 4થી 7 એમ બે સ્લોટમાં 18થી 44 વયના લોકોનું ડ્રાઇવ થ્રૂ વેક્સિનેશન કરવામાં આવશે. બન્ને સ્લોટમાં 100-100 લોકોને વેક્સિન આપવામાં આવશે. આમ દરરોજના કુલ 200 લોકોને ડ્રાઇવ થ્રૂ વેક્સિનેશન કરવામાં આવશે.
આ પ્રકારના વેક્સિનેશનથી સંક્રમણ ફેલાવવાનો ભય શૂન્ય થઈ જાય છે
CDHO ડૉ. પ્રેમકુમાર કન્નરના જણાવ્યા પ્રમાણે, કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આ પ્રકારનો પ્રથમ કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પની ખાસિયત એ છે કે, અહીં આવતા તમામ લોકોને પોત પોતાના વાહનોમાં જ વેક્સિન આપવામાં આવે છે. જેના કારણે સંપર્ક ઘટે છે અને સોશિયલ ડિસ્ટન્સનું પણ પૂરતું પાલન થાય છે. વધારે લોકો ભેગા ન થાય તે માટે દિવસમાં 2 સ્લોટમાં 100-100 લોકોને બોલાવવામાં આવે છે.
ભુજ જેવા શહેરમાં આ પ્રકારની સુવિધા પહેલી વખત જોવા મળી
વેક્સિન લેવા આવેલા યુવાન જયેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, આ પ્રકારની ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન કે ટેસ્ટની વ્યવસ્થા માત્ર મોટા શહેરોમાં જોવા મળતી હતી. જોકે, ભુજમાં પણ આ સુવિધા જોઈને ખુશી થાય છે. સમયની પણ બચત થાય છે અને સરળતાપૂર્વક તમામ કામ પૂરુ થાય છે.