કચ્છ : સમગ્ર કચ્છ સાથે રાજ્યમાં પણ ચર્ચાનો વિષય બનેલા કચ્છના સોપારી કાંડમાં 3.75 કરોડ રૂપિયાનો તોડ થયાની ફરિયાદ નોંધાયા બાદ અવનવા ખુલાસાઓ થઈ રહ્યા છે. જેની વચ્ચે આજે આ ગુનામાં સંકળાયેલ મોહીત એન્ટરપ્રાઇઝ પેઢીના માલિકની ધરપકડ કરવામાં આવી છે. આ સોપારી કાંડમાં સરકારને આર્થિક નુકસાન પહોંચાડવા બદલ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ચકચારી સોપારી કાંડ : 26 ઓક્ટોબરના મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનાની ન્યાયીક અને તટસ્થ તપાસ હેતુ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના સીધા માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન PI એમ.ડી.ચૌધરીને તપાસ સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલ આરોપીમાંથી અત્યાર સુધીમાં 7 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તો આજે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
મોહીત એન્ટરપ્રાઇઝ પેઢી : આ સોપારી કાંડના ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઝડપી, તટસ્થ અને ન્યાયિક તપાસ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા તરફથી પણ SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) રચના કરવામાં આવી હતી. જે હેઠળ આ ગુનાની તપાસ ચાલુ છે અને તપાસ દરમિયાન પોલીસને ધ્યાનમાં આવ્યું હતું કે, મહારાષ્ટ્રના મોહીત પ્રદીપ માખીજા નામના વ્યક્તિએ આ ગુનામાં સંડોવાયેલ આરોપી સાથે મળી પોતાના નામના આધાર પુરાવા ડોક્યુમેન્ટ આપી તેના બદલામાં રૂપિયા મેળવ્યા હતા. ઉપરાંત પોતાના નામથી મોહિત એન્ટરપ્રાઇઝ નામની ખોટી પેઢી બનાવવા સહમતી આપી હતી. આમ મોહિત એન્ટરપ્રાઇઝ નામની પેઢી ઊભી કરી હતી.
વધુ એક આરોપી ઝડપાયો : મોહિત એન્ટરપ્રાઇઝ નામની પેઢીના નામે આરોપીઓ દ્વારા ગુનાહિત કાવતરા મુજબ વિદેશથી સોપારી મંગાવી અને કાગળ ઉપર ખોટા બિલ બનાવી ભારતમાંથી અલગ અલગ જગ્યાએથી સોપારી ખરીદી હોવાનું દેખાડ્યું હતું. તેની અવેજીમાં વિદેશથી આયાત કરેલા દસ્તાવેજોમાં મીઠું બતાવી વિદેશથી આયાત કરવામાં આવેલ સોપારી ઉંચા ભાવે ભારતમાં વેચાણ કરી ટેક્સ ચોરી કરી રહ્યા હતા. મોહીત એન્ટરપ્રાઇઝ પેઢીના માલિકની તપાસ દરમિયાન ગુનાહિત સંડોવણી ખુલતા આ સોપારી કાંડના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે. આ પેઢી બનાવવા અન્ય મદદ કરનાર આરોપી બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સોપારી કાંડમાં અત્યાર સુધીમાં ઝડપાયેલા આરોપી :
- અનિલ તરુણભાઇ પંડીત (મુંબઈ)
- દિનેશ વિનોદરાય માસ્તર (મુંબઈ)
- મેહુલ ઉર્ફે મોનુ ચંદ્રકાંત ભદ્રા (મુંબઈ)
- અજીત નાગુજી જગદાલે (ગાંધીધામ)
- ફિરોજ નુરુદ્દીન રાજવાણી (ગાંધીધામ)
- ચિરાગ ભરત ભાઈ ગોરી (રાજકોટ)
- કનૈયાભાઇ દિપકભાઇ દામા (જામનગર)