પ્રાપ્ત વિગતો અનુસાર, કચ્છ જિલ્લા કલેકટર રેમ્યા મોહને અધિકારીઓને કામગીરીના નિર્દેશો આપ્યાં છે. ભચાઉ પ્રાંત અધિકારીની રાહબરી અને દેખરેખ હેઠળ મામલતદાર ભચાઉ અને રાપર સહિત પાણી પૂરવઠા બોર્ડ અને નર્મદા પેટા વિભાગ ઉપરાંત સિંચાઇ (રાજય) અને પોલીસ વિભાગના અધિકારીઓની બે ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અને નિવાસી અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આ ટીમ એકબીજાના સંકલનમાં રહી ભચાઉ અને રાપર વિસ્તારના ગામડાંઓ કે જયાંથી નર્મદા કેનાલ પસાર થાય છે તેની સ્થળ મૂલાકાત લઇને કોઇ પણ વિસ્તારમાં પાણીની ચોરીનો બનાવ ધ્યાને આવતાં મશીન જપ્ત કરવા ઉપરાંત જે-તે વ્યકિત સામે પોલીસ ફરિયાદ કરવા સુધીની નિયમ અનુસારના કાર્યવાહી હાથ ધરશે.
ઉપરાંત ભચાઉ અને રાપર મામલતદાર દ્વારા પ્રાંત અધિકારીને દૈનિક કાર્યવાહીનો અહેવાલ કરાશે અને ભચાઉ પ્રાંત અધિકારી સમગ્ર કામગીરી અને અહેવાલ જિલ્લા કલેકટરને આપશે. જેથી નર્મદા કેનાલમાંથી થતી પાણીની ચોરી ઉપરાંત સજ્જડ નિયંત્રણ આવવાની સાથે પશ્ચિમ કચ્છના છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચી નિયમિત પાણી પૂરવઠો પહોંચાડી સમગ્ર કચ્છમાં પાણીની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા કટ્ટીબદ્ધતા વ્યકત કરાઇ છે.