કચ્છ : ભુજમાં સ્ટેશન રોડ પર સ્ટેટ બેન્ક સામે આવેલા ‘બડા સા’બ શોપીંગ’નામના શૉરૂમના સંચાલક જીગર ખીમજી મહેતા તેની બાજુમાં આવેલી ‘જીઓ ડિજિટલ લાઈફ’ નામની દુકાનના કર્મચારી કમલેશ કાનજી બારોટ, ભુજના ભીડ બજારમાં અગરબત્તીના દુકાનદાર ભવ્ય અરવિંદ મહેતા, મટન શોપના માલિક તાહિર હસન ખલીફા સામે એ અને બી ડિવિઝન પોલીસે ગુના નોંધ્યાં છે.
બીજી તરફ ગઢશીશામાં પોલીસે કિસાન ચોકડી પાસે ચાની રેંકડી ચાલુ કરનારા નંધાભાઈ ખીમાભાઈ રબારી, મઉં ચોકડી પાસે કરુણા પ્લાયવુડ નામની હાર્ડવેર-પ્લાયવુડના દુકાનદાર જગદીશ શામજી ભગત, લુડવા ગામે ચીકન શોપ ચાલુ કરનારાં અબ્દુલ કાદર અલીસા સૈયદ, ભેરૈયા ગામે આઈસકેન્ડી-ઠંડા પીણાંના દુકાનદાર પચાણ રામજી બુચીયા અને દરશડીમાં એસ્સાર પેટ્રોલપમ્પ પાસેના ટી-સ્ટોલ ધારક ઈસ્માઈલ અબ્દુલ્લા વર્યા સામે જાહેરનામા ભંગ બદલ આઈપીસી 188 હેઠળ ગુના નોંધ્યાં છે.
ટ્રાફિક પોલીસે માર્ગો પર ઉતરીને સમગ્ર પશ્ચિમ કચ્છમાં ઑટોરીક્ષા, છકડા, તૂફાન જીપ જેવા 62 વાહનો અને મોટર સાયકલ, દ્વિચક્રી જેવા 26 મળી કુલ 88 વાહનો મોટર વેહિકલ એક્ટની કલમ 207 હેઠળ ડીટેઈન કર્યાં છે. મુંદરામાં પોલીસે જાહેરનામાનો ભંગ કરી છકડો ચલાવતાં એક શખ્સ સામે ગુનો નોંધી વાહન ડીટેઈન કર્યું હતું. ગાંધીધામમાં સીટી ટ્રાફિક પોલીસ સવારથી માર્ગો પર ઉતરી પડી હતી. સીટી ટ્રાફિક પોલીસે દિવસભર ઝુંબેશ છેડીને 25 છકડા રીક્ષા 1 મીની બસ અને 5 દ્વિચક્રી મળી કુલ 31 વાહન ડીટેઈન કર્યાં છે. આ દરમિયાન સુચના અને કાયદાનો ઉલ્લંઘન કરનારા 3 લોકોએ પોલીસે સાથે ફરજમાં રૂકાવટ કરતા તેમની સામે ગુનો નોંધાયો હતો.