કચ્છઃ દર વર્ષે રણોત્સવના ચાર મહિના દરમિયાન ભારત અને વિદેશમાંથી લાખો પ્રવાસીઓ આ વિશાળ સફેદ રણનો અદભુદ નજારો જોવા આવે છે. જે પૃથ્વી પર ચંદ્રનો અનુભવ કરાવે છે. આ સફેદ રણનો એક રંગ ગુલાબી પણ છે. ચોમાસામાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સમગ્ર આકાશનો રંગ કેસરી અને ગુલાબી જોવા મળે છે. આ સમયે રણમાં ભરાયેલ પાણીમાં આકાશનું પ્રતિબિંબ પડતાં જ સમગ્ર રણ આકાશના રંગે રંગાઈ જાય છે.
સફેદ રણ બની જાય છે ગુલાબીઃ ચોમાસાની ઋતુ દરમિયાન આ સફેદ રણ વહેલી સવારે અને સાંજે ગુલાબી રંગ ધારણ કરી લે છે. જેને જોતા આભાસ થાય છે કે આ કચ્છનું સફેદ નહીં પણ ગુલાબી રણ છે. આ સીઝનમાં રણમાં રહેલા પાણીમાંથી હજુ મીઠું બન્યું હોતું નથી. તેથી જમીન પર રહેલું પાણી અરીસાની જેમ કામ કરે છે. સમગ્ર આકાશના રંગનું પ્રતિબિંબ જમીન પરથી જોવા મળે છે. પરિણામે કચ્છનું સફેદ રણ ગુલાબી રણ બની જાય છે.
કચ્છના રણમાં આસપાસના અનેક વિસ્તારોમાંથી પાણી જમા થાય છે. આ પાણીનું બાષ્પીભવન થતા જમીન પર મીઠાના થર જામી જાય છે. તેથી કચ્છના રણનો રંગ સફેદ જોવા મળે છે. ચોમાસામાં પાણીમાંથી મીઠું બનવાને વાર હોય છે. તેથી પાણી સમગ્ર આકાશને રિફલેક્ટ કરે છે. તેથી સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે કચ્છનું સફેદ રણ ગુલાબી રણ હોવાનું ભાસે છે...ગૌરવ ચૌહાણ(આસિસ્ટન્ટ પ્રોફેસર, અર્થ એન્ડ એન્વાયરમેન્ટલ ડીપાર્ટમેન્ટ, કચ્છ યુનિવર્સિટી)
ખડીરબેટ વિસ્તારની આસપાસ વધુ મોહક નજારોઃ કચ્છી કહેવત "વરસે તો વાગડ ભલો અને કચ્છડો બારેમાસ" મુજબ હાલ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં વાગડ વિસ્તારની સુંદરતામાં ચાર ચાંદ લાગ્યા છે. આ સફેદ રણમાં પાણી ભરાતા અલગ અલગ જ રંગો જોવા મળી રહે છે. વરસાદની ઋતુમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે વાગડના ખડીર બેટની આસપાસ આવેલું સફેદ રણ ગુલાબી અને કેસરી રંગ ધારણ કરી લે છે.