કચ્છ- ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી છેલ્લા એક વર્ષથી પોતાની સિદ્ધિઓ માટે જાણીતી થઈ છે. તો વિદ્યાર્થીઓ માટે આ વર્ષથી LLM અને MSW નવા કોર્સ શરૂ કરવામાં આવ્યા છે.સરહદી જિલ્લા કચ્છમાં સામાજિક કાર્યો તેમજ વકીલાત ક્ષેત્રે કચ્છના વિદ્યાર્થીઓ આગળ આવે અને તેનો અભ્યાસ કરે તે હેતુથી આ નવા શૈક્ષણિક સત્રથી માસ્ટર ઓફ સોશિયલ વર્ક અને વકીલાત માટે અનુસ્નાતક કોર્સ LLM શરૂ કરવામાં આવ્યો છે.
મોટી મોટી કંપનીઓ કચ્છમાં કાર્યરત -સરહદી જિલ્લા કચ્છમાં છેલ્લા બે દાયકાથી ઉદ્યોગોને ટેક્સમાં રાહત અપાતા મોટી મોટી કંપનીઓ કચ્છમાં કાર્યરત થઇ છે. ત્યારે દેશના સૌથી મોટા જિલ્લામાં સ્થાનિક રોજગારીની તકો પણ વધી છે.અનેક પ્રકારના ઉદ્યોગો અહીં સ્થપાતા લોકો માટે પણ નોકરી ઉપલબ્ધ થઇ છે. તેમાં પણ કચ્છ યુનિવર્સિટીની સ્થાપના બાદ ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ ડિગ્રી મળી રહી છે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને કચ્છમાં નોકરી પણ મળી રહી છે.
કચ્છ યુનિવર્સિટીમાં નવા 2 કોર્સ -હાલમાં ઉચ્ચ અભ્યાસ માટેના મોટાભાગના કોર્સમાં ફોર્મ ભરવાની શરૂઆત પણ થઇ ગઇ છે ત્યારે ઉદ્યોગક્ષેત્રે અનેક ગણી પ્રગતિ કરનાર કચ્છમાં ઉચ્ચ અભ્યાસ બાદ તરત નોકરી મળે તે પ્રકારનો માસ્ટર ઓફ સોશિયલ વર્ક એટલે કે એમ.એસ.ડબલ્યુ(Master of Social Work postgraduate course in Kutch University) કચ્છ યુનિવર્સિટી ખાતે આ વર્ષથી શરૂ કરવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓને સામાજિક કાર્ય વિશે અભ્યાસ કરાવવામાં આવશે - માસ્ટર ઓફ સોશિયલ વર્ક એ અનુસ્નાતક કક્ષાનો કોર્સ છે. જેમાં વિદ્યાર્થીઓને સામાજિક કાર્ય વિશે અભ્યાસ કરાવવામાં આવે છે.આ બે વર્ષીય અનુસ્નાતક કોર્સ અગાઉ કચ્છ યુનિવર્સિટી ઉપરાંત ઇન્દ્રપ્રસ્થ,જે.કે.પટેલ અને એસ.આર.કે.ઇન્સ્ટિટયૂટ ખાતે પણ ઉપલબ્ધ હતો. પણ હાલમાં માત્ર યુનિવર્સિટી ખાતેથી જ આ કોર્સનો અભ્યાસ કરી શકાશે.આ કોર્સ થકી સામાજિક સંસ્થાઓ અને કલ્યાણકારી સેવાનું વહીવટ,માનવ સંસાધન વિકાસ અને વહીવટ, ટકાઉ સામાજિક વિકાસ પર્યાવરણ અને જીવસૃષ્ટિનું રક્ષણ તેમજ આરોગ્ય સેવા વધારવા બાબતે અભ્યાસ કરાવવામાં આવશે.
દર વર્ષે સરેરાશ એક હજાર વિદ્યાર્થીઓ LLBનો કોર્સ કરે છે - કચ્છ યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ સોશિયલ વર્ક અનુસ્નાતક કોર્સ -MSWના અનુસ્નાતક કોર્સ બાદ વિદ્યાર્થીઓને કચ્છમાં જ નોકરી મળી રહેશે. ઉલ્લેખનીય છે કે MSWના અનુસ્નાતક કોર્સ બાદ વિદ્યાર્થીઓને કચ્છની મોટી નામચીન સામાજિક સંસ્થાઓમાં પણ નોકરી મળી રહે છે. તો મોટી સંખ્યામાં ઉદ્યોગો ધરાવતા કચ્છમાં પણ સોશિયલ વેલફેર કમિટીમાં પણ આવા માસ્ટર ઓફ સોશિયલ વર્કના અનુસ્નાતક લોકોની જરૂર હોય છે. આ વર્ષે કચ્છ યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ સોશિયલ વર્કની સાથે સાથે એલ.એલ.એમ.નો કોર્સ પણ શરૂ કરવામાં આવ્યો છે. કચ્છમાં પહેલેથી જ વકીલાતના અભ્યાસની માંગ રહેતા જિલ્લામાં અનેક વિદ્યાર્થીઓ બેચલર ઓફ લો એટલે કે એલ.એલ.બી. કોર્સ પસંદ કરી સ્નાતક કક્ષાનો અભ્યાસ કરે છે. કચ્છમાં દર વર્ષે સરેરાશ એક હજાર વિદ્યાર્થીઓ LLBનો કોર્સ કરે છે પરંતુ અનુસ્નાતક કક્ષાનો કોર્સ એલ.એલ.એમ. કરવા માટે વિદ્યાર્થીઓને બહાર જવું પડતું હતું જેથી કરીને સ્થાનિકે કચ્છ યુનિવર્સિટીમાં જ અનુસ્નાતક કક્ષાનો કોર્સ શરૂ થાય તેવી માંગ છેલ્લા થોડા સમયથી વિધાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી.
નવા કોર્સની ફી દરેક વર્ગના વિદ્યાર્થીઓને પરવડે તે મુજબ રાખવામાં આવશે: રજીસ્ટ્રાર -કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. જી.એમ. બુટાણી ((Kutch University Registrar G M Butani ) ) માહિતી આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની માંગને ધ્યાનમાં રાખીને કચ્છમાં પ્રથમ વખત આ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. તો આ અનુસ્નાતક કક્ષાના કોર્સમાં કયા વિષયો ઉમેરાશે તે ડીન અને બોર્ડ સ્ટડીઝ દ્વારા નક્કી કરવામાં આવશે.તો યુનિવર્સિટી ખાતે શરૂ થનારા નવા કોર્સની ફી દરેક વર્ગના વિદ્યાર્થીઓને પરવડે તે મુજબ રાખવામાં આવશે.અન્ય કોલેજોની સરખામણીએ 50 ટકા ફી પર આ કોર્સ શરૂ કરવાનો કોલેજ વહીવટ વિચારી રહી છે.કચ્છ યુનિવર્સિટી દ્વારા આ મુદ્દે બોર્ડ ઓફ સ્ટડીઝની મીટીંગ પણ બોલાવવામાં આવી છે જેમાં કોર્સનો સિલેબસ અને તેને લગતી તમામ બાબતો નક્કી કર્યા બાદ સિન્ડિકેટ સમિતિ પાસે મૂકવામાં આવશે.
આ બંને કોર્સ માટે કચ્છ યુનિવર્સિટીની વેબસાઈટ પરથી ફોર્મ ભરી શકાશે - કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર જી એમ બુટાણીએ (Kutch University Registrar G M Butani ) જણાવ્યું હતું કે નવા કોર્સની શરૂઆત થતાં વિદ્યાર્થીઓ આકર્ષાતા હોય છે ત્યારે આ કોર્સ હાલમાં વકીલ તરીકે કાર્યરત છે તેવા લોકો માટે પણ ઉપયોગી બને તે માટે તેનો સમય સવારે 11 વાગ્યા સુધીનો રાખવામાં આવે તેવા પ્રયત્નો રહેશે. ઉપરાંત યુનિવર્સિટી ખાતે શૈક્ષણિક વર્ષ 2022-2023 માટે ટૂંક સમયમાં જ આ બંને કોર્સ માટે ફોર્મ ભરવાના શરૂ થશે.જે યુનિવર્સિટીની વેબસાઈટ www.kskvku.ac.in પરથી ભરી શકાશે.