કચ્છઃ 15મી ઓગસ્ટ 1947માં આપણો દેશ ભારત આઝાદ થયો હતો. અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થઈને દેશભરમાં ત્રિરંગો લહેરાવી ભારતની પ્રજાએ આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી કરી હતી. 1947માં ભારત પાકિસ્તાનના ભાગલા બાદ સરહદી વિસ્તાર કચ્છ એક દેશી રજવાડું હતું. તે સમયે કચ્છમાં બેવડો માહોલ હતો. આઝાદી પછી અનેક વાટાઘાટોને અંતે કચ્છ ભારતના સીધા વહીવટ હેઠળ આવ્યું હતું. એક જૂન 1948ના દિવસે કચ્છ વાસ્તવમાં આઝાદ થયું હતું અને સંપૂર્ણ રીતે ભારત સંઘમાં જોડાયું હતું. કચ્છ સંભવત ભારતનો એકમાત્ર એવો જિલ્લો હશે જ્યાં સ્વતંત્રતાની ઉજવણી કરવા બે અલગ ધ્વજ લહેરાવવામાં આવ્યા હતા.
"આઝાદી સમયે કચ્છ જિલ્લામાં સ્વતંત્રતાની ઉજવણી થોડી વિશેષ હતી. સ્વતંત્રતાની ચળવળ કચ્છમાં ખૂબ પ્રસરી હતી ત્યારે દેશ આઝાદ થયાની ખુશી કચ્છમાં પણ જોવા મળી હતી, પરંતુ કચ્છ રાજ્યએ ત્યાર સુધી ભારત સંઘમાં જોડાવવાની આખરી સંમતિ દર્શાવી ન હતી પરિણામે કચ્છમાં બેવડો માહોલ હતો.કચ્છ રાજ્યના તત્કાલીન મહારાવ મદનસિંહજી નૈતિક રીતે ભારત સંઘમાં જોડાવવા માગતા હતા અને તે કારણે જ કચ્છના સંરક્ષણ, વિદેશનીતિ અને રેલવે વિભાગો ભારત સરકારને સોંપી દીધા હતા, પરંતુ ભારત સંઘમાં જોડાવવાના ખત પર હસ્તાક્ષર ન કર્યા હોવાથી કચ્છ કાયદેસર રીતે ભારતનો ભાગ હતો નહીં. "... નરેશ અંતાણી (ઈતિહાસકાર)
કચ્છ રાજ્યનો અંતિમ ધ્વજ પ્રાગ મહેલમાં સુરક્ષિતઃ ભારત આઝાદ થયું ત્યારે કચ્છ સ્વતંત્ર દેશી રાજ્ય હોવા છતાં 15 મી ઓગસ્ટ 1947 ના દિવસે કચ્છમાં બે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યા હતા. ભારતના ત્રિરંગા ની સાથે કચ્છ રાજ્યના ધ્વજને પણ સલામી આપવામાં આવી હતી. 15મી ઓગષ્ટ 1947ના ભુજના ઉમેદ ભવન ખાતે મહારાવ મદનસિંહજીના ભાઈ અને રાજ્યના મહારાજકુમાર હિંમતસિંહજી દ્વારા ત્રિરંગો લહેરાવી ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ બન્ને ધ્વજને સલામી આપી હતી. કચ્છ રાજ્યનો આ અંતિમ ધ્વજની જાળવણી આજે પણ પ્રાગ મહેલની લાઇબ્રેરીમાં કરવામાં આવી છે.
જય હિંદ લખેલા સિક્કા બહાર પડાયાઃ 1939થી જ કચ્છને દેશી રાજ્યમાંથી સ્વતંત્ર બનાવવા જવાબદાર રાજ્યતંત્ર માટેની પ્રજાકીય લડત શરૂ થઈ ગઈ હતી જેને દેશ આઝાદ થયા બાદ તેને પણ વેગ મળ્યો હતો. કચ્છના તત્કાલીન મહારાવ મદનસિંહજી પણ ભારતમાં જોડાવવા માગતા હતા અને તે સમયે તેમણે પોતાના નામના કોરીના સિક્કા બહાર પાડ્યા હતા જેના પર જય હિંદ કોતરેલું હતું. ઉલ્લેખનીય છે કે જય હિંદ લખાણ સાથેના સિક્કા બહાર પાડનાર તેઓ ભારતના એકમાત્ર મહારાવ હતા.
1 જૂન 1948ના રોજ આઝાદ થયું કચ્છઃ મહારાવ મદનસિંહજીને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. જ્યાં સરદાર પટેલે મદનસિંહજી અને કચ્છી પ્રજાકીય પરિષદના પ્રતિનિધિ મંડળ સાથે ચર્ચા વિચારણા કરી હતી. 4થી મે 1948ના કચ્છના અંતિમ મહારાવ મદનસિંહજીએ કચ્છના હિંદસંઘમાં જોડાણ માટેના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા. ભારત 15મી ઓગસ્ટે આઝાદ થયું પરંતુ કચ્છ વાસ્તવમાં 1 જૂન 1948ના રોજ આઝાદ થયું.
કચ્છના પ્રથમ કમિશ્નર છોટુભાઈ દેસાઈઃ કચ્છને આઝાદી મળવાની સાથે જ કેન્દ્ર સરકારના સીધા વહીવટ હેઠળ ક વર્ગનો રાજ્ય બનાવવામાં આવ્યો હતો, જેનો અમલ જૂન 1948થી થતાં કચ્છમાં 1લી જૂનના સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો. તે દિવસે આ ઉત્સવને મનાવવા ભુજના ઉમેદ ભવનમાં કચ્છ રાજ્યના પ્રથમ કમિશનર છોટુભાઈ દેસાઈના હાથે ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. તો ભારતના ગૃહપ્રધાન અને નુતન ભારતના શિલ્પી સરદાર પટેલે આ પ્રસંગે ખાસ સંદેશો મોકલી કચ્છી પ્રજાને તેના હિત અને કલ્યાણ માટેની ખાતરી આપી પ્રજાની સુખ અને સમૃદ્ધિ માટેની પણ પ્રાર્થના કરી હતી.