કચ્છ : રાપરમાં સામાજીક આગેવાન અને ધારાશાસ્ત્રી દેવજીભાઈ મહેશ્વરી હત્યા કેસમાં હાલ પોલીસે એસઆરપી સહિતનો બંદોબસ્ત ગોઠવી દીધો છે. બીજી તરફ પરિવારજનોએ પોલીસ સામે નિષ્ક્રિયતાના આરોપ મૂક્યો છે. આ વચ્ચે પૂર્વ કચ્છના એસ.પી મયુર પાટીલે જણાવ્યું હતું કે, આરોપીને ઝડપી લેવા માટે પોલીસ સતત કામ કરી રહ્યાનું જણાવીને આરોપી હાથમાં આવ્યા પછી બનાવ પાછળનું મુખ્ય કારણ સ્પષ્ટ થશે.
રાપર ખાતે પત્રકારોને માહિતી આપતાં પૂર્વ કચ્છના એસપી મયુર પાટીલે જણાવ્યું હતું કે, વકીલ દેવજીભાઈને તેમની ઓફિસ પાસે છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. ફરાર આરોપીને શોધવા પોલીસ કાર્યવાહી ચાલી રહી છે. આ કેસમાં ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધ્યો છે. હાલે મૃતદેહનું પોસ્ટમોર્ટમ થઈ ગયું છે. જેમાં મુખ્ય આરોપી ભરત જયંતીલાલ રાવલની શોધખોળ ચાલી રહી છે. આરોપી હાથમાં આવે ત્યારબાદ બનાવ પાછળનું મુખ્ય કારણ સ્પષ્ટ થશે, હાલ તપાસ ચાલુ છે.
જ્યારે હત્યાની ઘટનાને પગલે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પૂર્વ કચ્છ પોલીસ રેન્જ સ્તરની ટીમો અને એસઆરપી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરિવારજનો અને સમાજના આગેવાનો સાથે વાતચીત ચાલી રહી છે. જલ્દીથી મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવશે. તેમજ આરોપીઓની શોધખોળ માટે વિવિધ ટીમો કામે લાગી છે. હાલ તપાસ અંગે વધુ વિગતો આપી શકાશે નહીં એમ એસપીએ ઉમેર્યું હતું