ભચાઉ તાલુકાના ઘરાણા ગામનું તળાવ તૂટી પડતાં વોંધ ગામ નજીક રેલવે ટ્રેકનું ધોવાણ થયું છે. જેને પગલે કચ્છ,મુંબઈની 3 સહિત તમામ રેલવે સેવાઓ રદ્દ કરાઈ છે. દરમ્યાન ખોરવાયેલો રેલવે વ્યવહાર પૂર્વવત કરવા રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન તળે યુદ્ધના ધોરણે સમારકામ શરુ કરવામાં આવ્યું છે. શનિવારે પડેલા ભારે વરસાદના પગલે સામખિયાળીથી આગળ વોંધ અને લાકડિયા પાસે ટ્રેકમાં ભંગાણ સર્જાયું હતું. જેના પગલે કચ્છનો રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો હતો.
3 સ્થળે સર્જાયેલા ભંગાણ પૈકી વોંધ પાસે સૌથી વધુ નુકસાન થયું છે. અંદાજે 2 કિલોમીટરથી વધુનો ટ્રેક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. સમારકામ માટે યુદ્ધના ધોરણે પ્રશાસન દ્વારા કામગીરી આરંભાઈ છે. અમદાવાદ ડિવિઝનના A.D.R.M. અને A.D.E.N. સહિતના અધિકારીઓ સમારકામની કામગીરીનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. ભંગાણના સમારકામ માટે અંદાજે 250થી વધુ કામદારો લગાડવામાં આવ્યા છે. હજુ મંગળવાર સુધીમાં રેલવે વ્યવહાર પૂર્વવત કરવામાં લાગી શકે છે.
ભારે વરસાદના કારણે માલ પરિવહન પણ ઠપ થઇ ગયુ છે. રેલવેના ગાંધીધામ ડિવિઝનમાંથી મુંદરા, કંડલા સહિત પ્રતિદિન 65 થી 70 માલગાડીઓની અવરજવર થાય છે. રેલવે ટ્રેક ધોવાઈ જતાં દિલ્હી, અમદાવાદ, પાલનપુરથી ગાંધીધામ વચ્ચે કોઈ કનેક્શન ન રહેતાં ટ્રેન મારફતે થતી માલની હેરફેર પણ સદંતર ઠપ થઈ ગઈ છે. જેના કારણે રેલવે તંત્રને કરોડોનો ફટકો પડયો છે તો બીજી તરફ સતત 3 દિવસથી સેવાઓ બંધ હોવાથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ પણ અટવાઈ ગયા છે.