- મહારાણા પ્રતાપની (Maharana Pratap) વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કચ્છના માંડવીમાં મૂકાશે
- શીતળા મંદિર (Shitla Temple) પાસે તળાવમાં 1 કરોડ રૂપિયાના ખર્ચે 61 ફૂટની પ્રતિમા આકાર લેશે
- પ્રવાસનને (Tourism) વેગ આપવા માટે નગરપાલિકા (Nagarpalika) દ્વારા લેવાયો નિર્ણય
કચ્છઃ જિલ્લામાં પ્રવાસનનું હબ બની રહેલા માંડવીમાં વધુ એક ઉંમેરો થશે. અહીં આબેહૂબ મહારાણા પ્રતાપ જેવી લાગતી કાંસ્ય પ્રતિમાને FRP મટિરિયલ્સમાંથી આકાર આપવામાં આવશે. રાજસ્થાનના ઉદયપુરમાં 57 ફૂટની પ્રતિમાનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે માંડવી નગરપાલિકા તેનાથી પણ ઉંચી એટલે કે 61 ફૂટની પ્રતિમાને મૂકીને ઈતિહાસ રચશે. આ સાથે યુવાનોમાં પણ ઈતિહાસને લઈને જાગૃતિ આવે તથા મહરાણા પ્રતાપના જીવનથી યુવાનો પ્રેરિત થાય તેવો ઉદ્દેશ છે.
આ પણ વાંચો- બહેનોની સ્વર્ગસ્થ માતાને કલાંજલિ, અમદાવાદમાં એક અઠવાડિયા સુધી યોજાશે તેમના પેઈન્ટિંગ્સનું એક્ઝિબિશન
પાલિકાની કારોબારી સમિતિમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો
તાજેતરમાં નગરપાલિકાના ચેરમેન જિજ્ઞાબેન હોદારના (Jignaben Hodar, chairman, Mandavi Nagarpalika) અધ્યક્ષ સ્થાને કારોબારીના 8 સભ્યોની સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં સેનિટેશન વિભાગના ચેરમેન જિજ્ઞેશ કષ્ટાએ પ્રવાસનને વેગ આપવા મહારાણા પ્રતાપની પ્રતિમા શીતળા તળાવમાં મૂકવાની માગ કરી હતી, જેને બાંધકામ વિભાગના ચેરમેન વિશાલ ઠક્કરે બહાલી આપી હતી. તો આ બેઠકના અંતે 61 ફૂટ ઉંચી મહારાણા પ્રતાપની વિશાળ પ્રતિમા મુકવા સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું, જેને સામાન્ય સભામાં બહાલ કરાશે તેમ કારોબારી ચેરમેને જણાવ્યું હતું.
યુવાનો અને આગામી પેઢી મહારાણા પ્રતાપના (Maharana Pratap) જીવનથી પ્રેરિત થાય તેવો ઉદ્દેશઃ ચેરમેન બાંધકામ વિભાગ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) જ્યારે કોઈ લોકોને શ્યામજી કૃષ્ણવર્માના (Shyamji Krishna Verma) ઈતિહાસ વિશે જાણ ન હતી. ત્યારે દેશ સમક્ષ ક્રાંતિ ગુરુ શ્યામજી કૃષ્ણવર્માનું (Shyamji Krishna Verma) સ્મારક બનાવ્યું. તે સમયે તો લોકોને જાણ થઈ. તેને જોતા જ અમને વિચાર આવ્યો કે, મહારાણા પ્રતાપે પણ દેશ માટે ઘણું કર્યું છે ત્યારે તેમની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા 61 ફૂટની પ્રતિમા માંડવીમાં બનાવવામાં આવશે. આવો સર્વાનુમતે બેઠકમાં નિર્ણય લેવાયો હતો. તથા યુવાનો અને આગામી પેઢીને પણ મહારાણા પ્રતાપે (Maharana Pratap) આપણા દેશને બચાવવા માટે અને સંસ્કૃતિ માટે શું શું કર્યું હતું. તે જાણવા મળશે.
ટૂંક સમયમાં કન્સલ્ટિંગ, આર્કિટેકની નિમણૂક તથા ટેન્ડર માટેની પ્રક્રિયા હાથ ધરાશેઃ સેનિટેશન વિભાગના ચેરમેન
આ પ્રતિમાની સ્થાપના માટે ટૂંક સમયમાં કન્સલ્ટિંગ, આર્કિટેકની નિમણૂક તથા ટેન્ડર માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તથા જે કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા હશે. તે ઝડપથી પૂર્ણ કરીને સમયના સંકલ્પ સાથે અહીં મહારાણા પ્રતાપની (Maharana Pratap) 61 ફૂટ ઊંચી પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે. તો આ અંગે નગરપાલિકાના ચેરમેને જણાવ્યું હતું કે, ખૂબ જ ગર્વની લાગણી અનુભવાય છે કે, મારા અધ્યક્ષ સ્થાને તથા મારી કારોબારી સમિતિ ટીમના સભ્યો તરફથી આ પ્રતિમા અંગેનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઐતિહાસિક ક્ષણના અમે લોકો ભાગીદાર બન્યા છીએ. આમ, મહારાણા પ્રતાપ (Maharana Pratap) જેવા યોદ્ધાની 61 ફૂટની પ્રતિમાનું માંડવીમાં સ્થાપન કરવામાં આવશે, જે એક ઇતિહાસ બનશે તથા આ વિરાટ પ્રતિમા શહેરની શોભા પણ વધારશે.