કચ્છ : વરસાદ બાદ કાળા ડુંગર પર હિલ સ્ટેશન જેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તાર ખાવડા પાસે આવેલ કાળા ડુંગરના પ્રસિદ્ધ ચુંબકીય ક્ષેત્રની શરૂઆત થાય ત્યારથી જ વરસાદી સીઝનમાં વાદળો આપણી સાથે હોય તેવો આભાસ થાય છે.કાળા ડુંગર પર ચારે તરફ લીલોતરીની વચ્ચે માત્ર વાદળો જ જોવા મળ્યા હતા.દૂર દૂરથી આવેલા સાહસિકોએ આ નજારો માણી રોમાંચ અનુભવી રહ્યા છે.કાળા ડુંગર પરના વ્યુ પોઇન્ટ પર ચારેતરફ વાદળો હોતા પ્રવાસીઓ જાણે આબુ હિલ સ્ટેશનમાં ફરવા આવ્યા હોય તેવુ અનુભવ્યું હતું.
ચોમાસાની અંદર કચ્છની અંદર ફરવાલાયક સ્થળ હોય કે જ્યાં પ્રકૃતિની સાથે સંસ્કૃતિનો સમન્વય હોય અને કુદરતી નજારાનો અલૌકિક વાતાવરણ હોય તો તે કચ્છનું સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર છે.આપને ઘણી વખત જોતા હોય છીએ કે વાદળ અને રણ એક સપાટ ઉપર આપણે જોત હોઈએ છીએ જ્યારે અહીઁ કાળા ડુંગર પર વરસાદી માહોલ હોય છે ત્યારે વાદળાં એટલા બધા નીચે આવી જાય છે કે જાણે ડુંગર સાથે વાત કરતાં હોય. માટે આ અલૌકિક દ્રશ્ય જોવા માટે ખરેખર ચોમાસામાં કાળા ડુંગરની મુલાકાત લેવી જોઈએ.કુદરતી દ્રશ્ય કે જેમાં લીલાછમ વૃક્ષો, ઠંડી ઠંડી હવા અને વાદળો જોવા મળે એટલે તે કાળો ડુંગર..પંકજ રાજદે( પ્રવાસી )
દત્ત મંદિરની સાથે વ્યુ પોઇન્ટનો નજારો આહલાદક : જિલ્લામાં ચાલુ સીઝનમાં 100 ટકાથી પણ વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે ત્યારે જિલ્લાના જુદાં જુદા પર્યટન સ્થળો જેમાં ખાસ કરીને ઊંચાઈ વાળા વિસ્તારોમાં અદભુત નજારા જોવા મળી રહ્યા છે.તેવામાં કચ્છના સૌથી ઉંચા કાળા ડુંગર જેની ઉંચાઇ 458 મીટર છે. જે જિલ્લાના પાટનગર ભુજથી 97 કિલોમીટર દૂર આવેલો છે. આ ડુંગર પર વરસાદ બાદ મનમોહક દ્રશ્યો સર્જાયા હતા અને પર્યટકોએ તે દ્રશ્યોને તેમના મોબાઈલમાં તસવીરો મારફતે કેદ કરી હતી.કાળા ડુંગર પર આવેલ દત મંદિરની સાથે વ્યુ પોઇન્ટનો નજારો પણ આહલાદક જોવા મળ્યો હતો.
કાળા ડુંગર જોડાયેલ છે ઇતિહાસ સાથે : સરહદી વિસ્તારમાં આવેલ કાળો ડુંગર 400 વર્ષથી પણ જૂનાં દત્તાત્રેય મંદિર માટે જાણીતો છે. એક દંતકથા મુજબ જ્યારે દત્તાત્રેય પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેઓ કાળા ડુંગર પાસે રોકાયા અને ત્યાં ભૂખ્યા શિયાળોનું ટોળું તેમને જોવા મળ્યું હતું અને તેમણે પોતાના શરીરનો ભાગ શિયાળના ટોળાંને ખાવા માટે આપ્યો હતો.શિયાળોએ તે ખાધાં પછી દત્તાત્રેયના અંગો ફરીથી ઉગવા માંડ્યા હતા અને આના કારણે જ છેલ્લાં 400 વર્ષોથી મંદિરના પૂજારી સાંજની આરતી પછી ત્યાં બનાવવામાં આવેલ ઓટલા પર રાંધેલા ભાતનો પ્રસાદ શિયાળોને ધરાવે છે.