કચ્છ : સરહદી જિલ્લા કચ્છના પૂર્વ કચ્છ વિસ્તારમાં માટી અને મિનરલ્સ માટેની મોટી માત્રામાં લીઝ આવેલી છે.તો અનેક વખત મોટી માત્રામાં થતાં ગેરકાયદેસર ખનન અને માલવહન માટે ભૂસ્તર શાસ્ત્રીની કચેરી દ્વારા દંડ પણ વસૂલવામાં આવ્યો છે. તો છેલ્લાં 2 વર્ષમાં દંડની રકમ વસૂલવામાં પૂર્વ કચ્છ ખાણ ખનીજ ખાતું રાજ્યમાં ટોચ પર આવ્યું છે.
કચ્છમાં ખનીજોની 300 લીઝ : પૂર્વ કચ્છ વિસ્તારમાં કુલ 300 જેટલી ખનીજ ખનન માટેની લીઝ આવેલી છે જે પૈકી 245 જેટલી લીઝ હાલમાં કાર્યરત છે. કચ્છમાં બ્લેકટ્રેપ, ચાઈનાકલે, સાદી રેતી, બોલકલે, વ્હાઈટકલે, સીલીકાસેન્ડ, ગ્રેવલ, હાર્ડ મોરમ, સાદી માટી, લેટેરાઈટ, જીપ્સમ, ફાયર કલે, મારબલ, લાઈમસ્ટેાન સહિતના વગેરે જેવા અલગ અલગ પ્રકારના ખનીજોનું ખનન કરવામાં આવે છે.આ વિસ્તારમાં કોઈ મોટા મિનરલ્સની લીઝ મંજૂર કરવામાં નથી આવી.
દંડ વસૂલવામાં રાજ્યમાં અવ્વલ : જિલ્લામાં અનેક લીઝો પર મોટી માત્રામાં લીઝની પરવાનગી વગરના સ્થળે ખનન અને ગેરકાયદેસર ખનીજના વહન મુદ્દે અનેક વખત નાગરિકોએ વિરોધ નોંધાવ્યો છે તો તંત્ર દ્વારા પણ આ બાબતે તવાઈ બોલાવવામાં આવી છે. કરોડોની કિંમતના મિનરલ્સ અને માટીનું ગેરકાયદેસર રીતે થતું ખનન અને પરિવહન આગાઉ પણ અનેકવાર ઝડપાયું છે.ઉપરાંત ખાણ ખનીજ વિભાગ દ્વારા રેઇડ પાડીને રોયલ્ટી ભર્યા વગર વહન કરાતી માટી અને ખનીજ પણ અનેકવાર ઝડપવામાં આવ્યા છે અને દંડ વસૂલવામાં આવ્યો છે.
સૂરજબારી પર ઓવરલોડ ટ્રકો અટકાવવાઇ : લીઝમાંથી કચ્છ બહાર માર્ગ પરિવહન કરી લઈ જવામાં આવતા ખનીજના જથ્થો ભરેલી ટ્રકોને સૂરજબારી ચેકપોસ્ટ પરથી પસાર થવાનું હોય છે અને ત્યાં જો ચેકીંગ દરમિયાન ખરાબ ગુણવતા, ગેરકાયદેસર ખનન, ગેરકાયદેસર પરિવહન થતું જાણવા મળી આવે અથવા તો રોયલ્ટી ભરવામાં ન આવી હોય તો ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા દંડ વસુલવામાં આવે છે.જેમાં છેલ્લાં 2 વર્ષથી દંડ વસૂલાતમાં નોંધપાત્ર વધારો થયો છે અને અંજાર સ્થિત ભૂસ્તર શાસ્ત્રીની કચેરી રાજ્યમાં નોંધપાત્ર ફાળો નોંધાવી રહી છે.
સૂરજબારી ચેકપોસ્ટ પર વર્ષ 2020-21માં કુલ 11 કેસમાં માત્ર 20 લાખ રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો હતો જે વર્ષ 2021-22માં વધીને 111 કેસ અને 2.17 કરોડ રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 2022-23માં 101 કેસ અને 1.95 કરોડ દંડ વસૂલવામાં આવ્યો હતો. હાલ ચાલુ વર્ષ 2023-24માં અત્યાર સુધીમાં 20 કેસ ગેરકાયદેસર પરિવહન અને રોયલ્ટી ભર્યા વિનાના સામે આવ્યા છે જેમાં 40 લાખ રૂપિયાદંડ વસૂલવામાં આવ્યો હતો છે અને આ વર્ષે 3 કરોડ રૂપિયાદંડ વસૂલવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે...પ્રણવસિંહ (પૂર્વ કચ્છ ખનીજ ખાતાના ભૂસ્તર શાસ્ત્રી)
કઇ રીતે દંડ નક્કી થાય : રોયલ્ટી વગર ખનીજનું પરિવહન હોય કે ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવ્યું હોય કે પછી ઓવરલોડની પરિસ્થિતિમાં દંડ વસૂલવામાં આવે છે. નિયમો મુજબ ઓવરલોડ ઝડપાયેલ ટ્રકોને 15000 મેટ્રિક ટન પર કાર્યવાહી કરવામાં આવે છે.સંપૂર્ણ રીતે ગેરકાયદેસર પરિવહનમાં 1 લાખની દંડ સાથે જુદાં જુદાં નિયમો અને મશીનરી મુજબનો દંડ તો સાથે જ દરેક મેટ્રિક ટન પર 5000 રૂપિયાનો દંડ વસુલવામાં આવે છે.
2.17 કરોડના દંડ સાથે રાજ્યમાં પ્રથમસ્થાને : ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021-2022માં કચ્છની સૂરજબારી ચેકપોસ્ટ રાજ્યમાં પ્રથમ નંબરે હતી કે જેને 111 કેસમાં 2.17 કરોડનો દંડ વસુલ્યો હતો.તો ચાલુ વર્ષે પણ સારા પ્રમાણમાં 20 કેસમાં 40 લાખ રૂપિયા જેટલાં દંડ વસૂલવામાં આવ્યો છે અને આગામી સમયમાં જો વધારે ગેરકાયદેસર પરિવહન કે ખનન જણાઈ આવશે તો વધુ કાર્યવાહી કરવામાં આવશે.
ખાણખનીજ વિભાગે સતર્કતા વધારી : આ ઉપરાંત ઓવેરઓલ અંજારના ખાણ ખનીજ ખાતા દ્વારા લીઝ પર રેડ પાડીને ગેરકાયદેસર ખનન કે વિસ્તારની બહારના ભાગમાં થતું ખનન અટકાવીને તેમજ ઓવરલોડ પરિવહન થતાં ટ્રકો સામે કેસ દાખલ કરીને દંડ વસુલવામાં આવતો હોય છે જેમાં વર્ષ 2020-2021માં કુલ 199 કેસમાં 3.17 કરોડનો દંડ, વર્ષ 2021-2022માં કુલ 288 કેસમાં 6.89 કરોડનો દંડ તો વર્ષ 2022-2023માં કુલ 338 કેસમાં 6.35 કરોડનો દંડ વસુલવામાં આવ્યો છે.હાલમાં ચાલુ વર્ષ 2023-2024માં અત્યાર સુધીમાં કુલ 45 કેસમાં 1.10 કરોડનો દંડ વસુલવામાં આવ્યો છે તેવું ભૂસ્તર શાસ્ત્રી પ્રણવસિંહે જણાવ્યું હતું.આમ, ખાણખનિજ વિભાગ દ્વારા દાખવવામાં આવેલી સતર્કતાના ભાગરૂપે ગેરકાયદેસર માઈનીંગની સામે કરેલી કાર્યવાહીમાં નોંધોપત્ર દંડ વસૂલીને પૂર્વ કચ્છ ખાણ ખનીજ ખાતું રાજ્યમાં અવ્વલ આવી રહ્યું છે.