કચ્છઃ જિલ્લા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હૂંબલે ઈટીવી ભારતને જણાવાયું હતું કે, હાલમાં સરકારની ગાઈડલાઇન મુજબ મેળાવડો થઈ શકે નહીં તે હેતુથી દૂધ સંઘ દ્વારા મહત્વના નિર્ણયો લેવા માટે નિયામક મંડળની મિટિંગ પણ ઓનલાઈન ગોઠવવામાં આવેલ છે અને ઓનલાઈન જ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પનીર પ્લાન્ટ સરકારની રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત બનાવાયું છે. જેમાં 2 ટન પ્રતિ દિનની કેપેસિટી વાળા પનીર પ્લાન્ટ કુલ રૂપિયા 285 લાખ ખર્ચમાં બનાવવામાં આવ્યો છે, જેમાં 113 લાખ રૂપિયા સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે.
આ દરમિયાન તાજેતરતમાં 'સરહદ ડેરી' દૂધ પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટ ખાતે નવી પ્રોડકટ અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ દૂધનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. જે પ્રોડકટનું ઓનલાઈન લોન્ચિંગ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હાલમાં જ આત્મનિર્ભર ભારત બનાવવા માટે પ્રાધાન્ય આપ્યું છે, જેમાં સરહદ ડેરી અને અમૂલનો બહુમૂલ્ય યોગદાન છે, જેમાં સ્થાનિકે પશુપાલકો પાસેથી દૂધ કલેકશનથી લઈ અને વેચાણ સુધીની શૃંખલાને મજબૂત કરવા ઉત્તરોત્તર નવીન પ્રોડકટનું પ્લાન્ટ ખાતે ઉત્પાદન કરી અને વેચાણ કરવામાં આવે છે.
સ્લિમ એન્ડ ટ્રીમ દૂધએ સરહદ ડેરીની બનાવટ કચ્છ જિલ્લાની બજારમાં પણ વેચાણ માટે ઉપલબ્ધ થશે. લોકડાઉનના સમયમાં દૂધનો નિકાલ મુશ્કેલ હોઈ વિવિધ બનાવટો રજૂ કરી દૂધનો વધુમાં વધુ ઉપયોગ કરી અને વેચાણ કરવાનો ઉદ્દેશ છે.
અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ મિલ્કએ ઉચ્ચ ન્યૂટ્રિશન વેલ્યૂ ધરાવતું દૂધ છે, જેમાં અન્ય દૂધ કરતાં વધુ પ્રોટીન અને કેલ્શિયમ છે અને ઓછી કેલેરીવાળું છે જે શરીરના વજનને કંટ્રોલમાં રાખવા માટે ઉપયોગી છે. સ્લિમ એન્ડ ટ્રીમ ઉચ્ચ ગુણવત્તાયુક્ત દૂધ અન્ય દૂધ કરતા સસ્તું 8 રૂપિયા પ્રતિ 200 મિ.લીના કચ્છમાં અમૂલ ઉત્પાદન વેચાણ કરતા રિટેલર તથા અમૂલ પાર્લર પર ઉપલબ્ધ થશે.