- કોરોનાકાળમાં ખેડૂતોની સ્થિતિ થઈ દયનીય
- ખેડૂતોને પોષણક્ષમ ભાવ સહિત અનેક સમસ્યાઓ
- ખેડૂતો લોન તથા વ્યાજ પર રકમ ઉપાડીને ખેતી કરવા થયા મજબૂર
કચ્છ: જિલ્લાના માંડવી તાલુકામાં બાગાયતી ખેતીમાં દાડમની ખેતી કરતા ખેડૂતોને પરેશાની છે કે, તેમનો માલ કોઈ લેતું નથી અને જે લે છે એના ભાવ નથી 50% ખેડૂતોને માલનું વળતર નથી મળતું બજારમાં લેવાતી નથી પરિણામે પરેશાની ભોગવવી પડે છે. 1 રૂપિયાથી 10 રૂપિયે કિલો જેટલા જ ભાવ મળે છે તો 7 થી 8 રૂપિયા પ્રતિ કિલો ખોટ પણ જઈ રહી છે. જે યોગ્ય વળતર નથી અને કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતો વધુ પરેશાન થયા છે.
ખેડૂતોને સરકારી યોજનાઓનો નથી મળતો લાભ
ભારત એક કૃષિપ્રધાન દેશ છે આર્થિક કટોકટીમાં પણ દેશના GDP તથા આર્થિક વિકાસદરમાં ખેતીનું સારું યોગદાન છે, ત્યારે ખેડૂતોને આજે ખેતપેદાશોના સારા ભાવ પણ નથી મળતા. સરકાર દ્વારા માત્ર સર્વ કરવામાં આવે છે કે, આટલા લાખ હેક્ટરમાં વાવેતર થયું પરંતુ તેની ખરીદીના સમયે સરકાર માત્ર 10-15 દિવસ જ ખરીદી માટેનું આયોજન કરે છે. ખેડૂતોને તેમના પાકના પૂરતા ભાવ અને યોજનાઓનો લાભ આપવામાં આવતું નથી. આ ઉપરાંત ખેડૂતો પાસેથી ઓછા ભાવે ખરીદી કરીને ઓફ સિઝનમાં તેનો ભાવ દોઢ કે બે ગણો થઈ જતો હોય છે માટે સરકાર દ્વારા આ અંગે કોઈ ચોક્કસ નીતિ નિયમો ઘડવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે.
ખેડૂતોને દાડમના પાકનું ઓછું વળતર
હાલમાં માંડવીના કાંઠાના વિસ્તારોમાં દાડમનું વાવેતર છે અને હાલમાં દાડમનું જે હાર્વેસ્ટિંગ થયું છે. તેમાં ખેડૂતોને ઓછું વળતર મળી રહ્યું છે. તેનો જેટલો ખર્ચ પાક વાવવામાં અને ઉછેરવામાં કર્યો છે. તેના કરતાં ઉપજમાં સાતથી આઠ રૂપિયા પ્રતિ કિલો ઓછું વળતર મળી રહ્યું છે. પરિણામે ખેડૂતોને લોન લઈને તથા વ્યાજ પર રકમ ઉપાડીને વાવેતર કરવું પડે છે.
સરકાર દ્વારા જાહેર કરાતી રાહત ખેડૂતો સુધી નથી પહોંચતી
તંત્ર ખેડૂતોને કોઈ મદદ કરતું નથી માત્ર કાગળ પર જાહેરાતો કરે છે અને તેનો વાસ્તવિક અમલ થતો નથી. ખેડૂતોને ફરજિયાત પાક વીમાનું પ્રીમિયમ કપાઈ જાય છે. પરંતુ પાક વીમો મંજૂર કરવામાં આવતું નથી ઉપરાંત અતિવૃષ્ટિ હોય દુષ્કાળ હોય કે વાવાઝોડું હોય ત્યારે સરકાર દ્વારા રાહત જાહેર કરવામાં આવે છે. પરંતુ રાહત ખેડૂતો સુધી પહોંચતી નથી. આ ઉપરાંત અનેક સરકારી યોજનાઓનો લાભ પણ ખેડૂતો સુધી પહોંચતો નથી.
લાઈટ કનેક્શનને તથા ચેકડેમોને લઈને સમસ્યાઓ
સરકાર દ્વારા કોર્પોરેટ ફાર્મિંગ માટે 200 થી 500 એકર જમીન સરકારના મળતિયાઓને મંજૂર કરી આપવામાં આવે છે. પરંતુ ખેડૂત કુવા ઊંડા કરવા માટે બે બે વર્ષો સુધી રજૂઆતો કરે છે અને લાખો રૂપિયાનો ખર્ચો કરે છે ત્યારે માંડ માંડ જમીન મંજૂર થાય છે. ઉપરાંત ખેડૂતોને લાઈટ કનેક્શનના પ્રશ્નો છે તથા જ્યાં ચેકડેમ જરૂરી હોય ત્યાં બનાવવામાં પણ નથી આવતા અને જુના સિંચાઇના ડેમો છે તે રીપેર કરવામાં પણ આવતા નથી આવા અનેક પ્રશ્નો માંડવી તાલુકાના ખેડૂતોને સતાવી રહ્યા છે.
પશુપાલકો સાથે પણ અન્યાય
આ ઉપરાંત કચ્છમાં પશુપાલકો હાલમાં મોટી સંખ્યામાં પશુઓ રાખીને પશુપાલન કરી રહ્યા છે અને તાજેતરમાં જ AMUL દૂધની અંદર બે રૂપિયાનો વધારો થયો છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી દૂધના ફેટમાં વધારો થતાં ખેડૂતો અને પશુપાલકોને કોઈ લાભ મળ્યો નથી. તેમાં જે કંઈ કમાણી થઇ છે તે કંપનીઓ કરે છે અને તેનો ફાયદો પશુપાલકોને થતો નથી તેવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: સરકાર પાણી નહીં આપે તો ખેડૂત પાયમાલ થશે, ખેડૂતોની સરકાર પાસે અરજ
ખેડૂતોની સમસ્યાઓ ઝડપથી હલ થાય તેવી માંગણી
આમ માંડવી તાલુકાના ખેડૂતોને સરકારી યોજનાઓ, નર્મદાના નીરને લઈને તથા બાગાયતી પાકોના યોગ્ય ભાવ ન મળતા હોવાની સમસ્યા છે. તેઓની સરકાર સમક્ષ જુદી-જુદી રજૂઆતો પણ છે જે ઝડપથી હલ કરવામાં આવે તેવી તેમની માંગણી છે.