આજે વહેલી સવારે પાકિસ્તાનના કરાચીથી નીકળેલી અલ મદિના બોટનો ફિલ્મી ઢબે પીછો કરી તેમાં રહેલું કરોડોનું ડ્રગ્સ અને ખલાસીઓને ઝડપી લેવાયાં છે. હાલ ઝડપાયેલાં ડ્રગ્સની નાર્કોટીક્સ કંટ્રોલ બ્યૂરૉ સહિતની વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી છે. ઝડપાયેલાં શખ્સોની પૂછપરછમાં ATS સહિતની વિવિધ એજન્સીઓ જોડાઇ છે. કોસ્ટગાર્ડે આપેલી સત્તાવાર માહિતી મુજબ, બે દિવસ પહેલા NTRO (નેશનલ ટેકનિકલ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન) અને DRI (ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ) દ્વારા પાકિસ્તાનથી ફિશીંગ બોટમાં ભારતમાં ડ્રગ્સની દાણચોરી થવાની માહિતી આપવામાં આવી હતી. જેથી કોસ્ટગાર્ડે જખૌ નજીક આંતરરાષ્ટ્રીય જળસીમામાં એક ફાસ્ટ એટેક પેટ્રોલ બોટ અને 2 ઈન્ટરસેપ્ટર બોટ સર્ચ ઓપરેશનમાં તૈનાત કરી હતી. સર્ચ ઓપરેશનમાં કોસ્ટગાર્ડે ડોર્નિયર પ્લેનને પણ જોડ્યું હતું.
કોસ્ટગાર્ડની ટીમને જોતા જ બોટમાં સવાર શખ્સોએ ડ્રગ્સના પેકેટ્સ સમુદ્રમાં નાખવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ સતર્ક જવાનોએ તુરંત જ બોટ પર પહોંચીને તેમાં સવાર ખલાસીઓને ઝડપી પાડ્યાં હતા. સમુદ્રમાં ફેંકી દેવાયેલાં 7 પેકેટ્સ જવાનોએ કબજે કર્યા છે. કોસ્ટગાર્ડે જણાવ્યું છે કે, આ બોટ સંભવતઃ જખૌ અથવા ગુજરાતના અન્ય કોઈ સમુદ્રકાંઠે ડ્રગ્સની ડિલિવરી આપવાની હતી. જો કે, હાલ પૂછપરછ ચાલી રહી હોવાથી વધુ વિગતો જાહેર થઈ નથી.
ગત 27 માર્ચે ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે અરબી સમુદ્રમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પોરબંદર તરફ જતી પાકિસ્તાની બોટમાંથી 500 કરોડની કિંમતના હેરોઈન સાથે 9 વિદેશી સ્મગલરોની ધરપકડ કરી હતી. તેમજ ATSએ 500 કરોડની કિંમતનું 100 કિલોગ્રામ હેરોઈન કબજે કર્યું હતું. બોટમાંથી ઝડપાયેલાં બે અફઘાની નાગરિકોની પૂછપરછમાં કચ્છને સાંકળતા વધુ એક ડ્રગ્સકાંડનો પર્દાફાશ પણ થયો હતો. ATSની તપાસમાં ગત 19 માર્ચે કચ્છના પિંગલેશ્વર કાંઠે 24 કરોડનું મેથામ્ફેટાઈમાઈન નામનું ડ્રગ્સ લવાયું હોવાની વાત સામે આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ATSએ દ્વારકામાંથી અઝીઝ અબ્દુલ ભગાડ નામના એક શખ્સને 15 કરોડના હેરોઈનના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. અઝીઝની પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે, માંડવીના અબ્દુલ રઝાક સોતા ઊર્ફે રાજુ દુબઈએ એપ્રિલ 2018માં પાકિસ્તાનથી બોટ મારફતે 300 કરોડની કિંમતના હેરોઈનનો જથ્થો માંડવી મંગાવ્યો હતો. જેમાં તેણે માંડવીના રફીક સુમરા, શાહીદ સુમરા, અઝીઝ અબ્દુલ ભગાડની મદદ મેળવી હતી. ત્યારબાદ આ ડ્રગ્સ ઊંઝા મારફતે પંજાબ-કાશ્મીરમાં ડિલિવર કરાયું હતું. આ પ્રકરણમાં ATSએ નેપાળથી રાજુ દુબઈ અને શ્રીનગરથી નઝીર એહમદ ઠાકર નામના શખ્સની પણ ધરપકડ કરી હતી. ડ્રગ્સના નાણાંનો ઉપયોગ ટેરર ફંડીંગમાં થાય છે. જમ્મુ-કાશ્મીર અને પંજાબ સરહદે તણાવ અને સિક્યોરીટી વધતાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓએ હવે ગુજરાતની જળસરહદે માદક પદાર્થોની તસ્કરી શરૂ કરી છે. પંજાબ સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં મોટાપાયે ડ્રગ્સનો કારોબાર ચાલે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ ડ્રગ્સની કિંમત અંદાજે 400થી 500 કરોડ રૂપિયા જેટલી થાય છે. બોટમાંથી 6 પાકિસ્તાની અને 7 ભારતીય સહિત 13 લોકોની અટકાયત કરવામાં આવી છે.