- ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા કચ્છ જિલ્લાની મુલાકાતે
- અમિત ચાવડાએ ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર
- કોરોના કાળમાં નિષ્ફળ રહી ભાજપ સરકાર: અમિત ચાવડા
કચ્છઃ ભુજ ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે ભાજપ સરકાર પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, કોરોના કાળની પ્રથમ લહેરમાં સરકારે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં લોકોને ભેગા કર્યા અને કોરોના સંક્રમણ ફેલાયું કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 4 લાખની સહાય મળવી જોઈએ, પરંતુ સરકારે અન્યાય કર્યો છે અને ન્યાય આપવા માટે અમે ન્યાયયાત્રા કરી રહ્યા છીએ, જેમાં કોરોનામા મૃત્યુ પામેલાં લોકોના પરિવારના દુઃખમાં ભાગીદાર બની રહ્યા છીએ. અત્યાર સુધી અમને 22,000 પરિવારોએ પોતાની માહિતી આપી છે અને 4 લાખ રૂપિયા ની સહાય માટે અરજી કરી છે.
ગુજરાત જેવા રાજ્યમાં ઓક્સિજનની ક્યારે અછત ન સર્જાઈ શકે: અમિત ચાવડા
કોરોના કાળમાં સરકારે જે સારવાર આપવી જોઈએ તે આપી નથી, પરિણામે કેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે અને આજે દરેક પીડિત પરિવારનો આક્રોશ સરકાર સામે છે. કોરોના કાળમાં તમામ દવાઓ, માસ્ક, ઇન્જેક્શન, ઓક્સિજનની તમામમાં કાળાબજારી થઈ, પરંતુ સરાકર નિષ્ફળ નીવડી છે. તમામ જગ્યાએ મિસ મેનેજમેન્ટ થયું. ગુજરાત જેવા રાજ્યમાં ઓક્સિજનની ક્યારે અછત ન સર્જાઈ શકે અને જે લોકો આ નિષ્ફળતા માટે જવાબદાર છે. તેની સામે ન્યાયિક તપાસ થવી જોઈએ તેવી માગ અમિત ચાવડાએ કરી હતી.
'વી વીલ રિમેમ્બર વેબસાઈટ' પર કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનું વર્ચ્યુઅલ મેમોરિયલ
કોંગ્રેસ પાર્ટી ન્યાય યાત્રા કરી રહી છે, જેમાં કોરોનામાં મૃત્યુ પામેલા ગુજરાતના દરેક ગામે ગામ મુલાકાત કરવામાં આવી રહી છે. ત્યારે અમારા કાર્યકરો દ્વારા પરિવારને સાંત્વના આપવામાં એવી રહી છે. તથા તમામ માહિતી તથા મૃત્યુ પામનારના ફોટો સાથેની માહિતી મેળવવામાં આવી રહી છે. આમાં જે લોકો મૃત્યુ પામ્યા છે. તેવા લોકોના ફોટો 'વી વીલ રિમેમ્બર વેબસાઈટ' પરના વર્ચ્યુઅલ મેમોરિયલ પર યાદો કાયમી જળવાઈ રહે તે માટે મૂકવામાં આવી રહ્યા છે.
કોરોના મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોમાંથી એકને સરકારી નોકરી આપવામાં આવે: અમિત ચાવડા
કોરોના કાળમાં મૃત્યુ પામેલા તથા નિષ્ફળ રહેલી સરકાર સામે કોંગ્રેસની માગો છે કે, મૃત્યુ પામેલ લોકોને 4 લાખની સહાય આપવામાં આવે. તેમ જ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેનારા લોકોએ ચૂકવેલી રકમની સરકાર ભરપાઈ કરે. આ સાથે જ કોરોના વોરિયર્સ પર માટે પુષ્પવર્ષાના નામે નાટકો કરવામાં આવ્યા છે ત્યારે કોરોના વોરિયર્સ મૃત્યુ પામ્યા તેના પરિવારોને તાત્કાલિક મદદ કરે અને પરિવારના એક સભ્ય સરકારી નોકરી સરકાર આપે.
ગેરકાયદેસર કામોમાં ભાજપના નેતાઓ જ હપ્તા લઈ રહ્યા છે: અમિત ચાવડા
આ ઉપરાંત ભાજપના નેતાઓ અનેકવાર કચ્છના પ્રવાસે આવ્યા છે, પરંતુ નર્મદાના પાણીની માત્ર જાહેરાત થાય છે પણ મળતું નથી. 3 વર્ષથી તો હું જોઉં છું, ભુજોડીનો ઓવરબ્રિજ નથી બન્યો. આમ તો 8 વર્ષથી નથી બન્યો તથા કચ્છમાં મોટા પ્રમાણમાં બાયોડીઝલના નામે ગેરકાયદેસર વેચાણ પણ થઈ રહ્યું છે, જેમાં ભાજપના મળતિયાઓને હપ્તા પહોંચે છે તથા કચ્છમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર ખનન પણ થાય છે. આમાં ભાજપના નેતાઓ પણ સામેલ છે તેવા આક્ષેપો પણ કર્યા હતા.
કોંગ્રેસ સંવાદ કાર્યક્રમ કરી રહી છે
આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા સંયોજકોનું કાર્યક્રમ પણ કરવામાં આવી રહ્યો છે. આગામી ચૂંટણી અંગે સંવાદ કાર્યક્રમ કોંગ્રેસ કરી રહી છે. વર્ષ 2017માં કોંગ્રેસ માત્ર 3,000 મતથી હારી ગઈ હતી ત્યારે કોંગ્રેસ દ્વારા માળખું વિકેન્દ્રિત કરીને આગામી સમયમાં ચૂંટણીલક્ષી કામગીરી કરવામાં આવશે. પ્રદેશથી બૂથ સુધીનું ટૂ વે કમ્યુનિકેશન થાય તે રીતે કામગરી કરવામાં આવશે. દરેક બુથનું પ્રમુખ જન મિત્ર હશે અને આગામી ચૂંટણીમાં અગાઉ ચૂંટણીમાં જે કંઈ કચાશ રહી ગઈ છે તેને દૂર કરવામાં આવશે.
ભાજપ સરકારની નિષ્ફળતાઓ છુપાવવા વિજય રૂપાણીનું રાજીનામું લેવામાં આવ્યું: અમિત ચાવડા
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારે નેતા નહીં નિયત બદલવી પડશે, ચહેરા નહીં ચરિત્ર બદલવું પડશે. ભાજપે લોકોને કોરોના કાળમાં ભગવાન ભરોસે મૂકી દીધા હતા. સરકારની લાપરવાહી અને મિસ મેનેજમેન્ટથી લાખો લોકોના મોત થયા હતા. યુવાનો બેરોજગાર થયા, કિસાનો આત્મહત્યા તરફ વળ્યા. આ બધી નિષ્ફળતાઓ છુપાવવા વિજયભાઈનું રાજીનામું લેવામાં આવ્યું છે. દિલ્હી બેઠેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ વહીવટ ચલાવી રહ્યા છે. તથા નવા મુખ્યપ્રધાનની જાહેરાતમાં ભાજપના સિનિયર અને અનુભવી આગેવાનો નીતિન પટેલ અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા જેવા લોકોને કિનારે કરી દેવામાં આવ્યા છે.