કચ્છમાં ઠંડીનો જમાવડો વધી રહ્યો છે. છેલ્લી 24 કલાકની સરખાણીએ જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો પારો વધુ એક ડિગ્રી સેલ્સિયસ નીચે ઉતર્યો છે. રાજ્યમાં નલિયામાં લઘુત્તમ તાપમાન 8.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ભુજમાં 11.8, કંડલા એરપોર્ટમાં 10.7 અને કંડલા પોર્ટ ખાતે 13.9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ત્યારે આ પરિસ્થિતીમાં પેટીયું રળવા માટે ઠંડીનો સામનો કરતા શ્રમિક વર્ગને મોટો ફટકો પડી રહયો છે. તો બીજી તરફ આ શિતલહરેની અસરથી ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે, ઠંડીના કારણે તેમના ઉભા પાકને લાભ મળશે.
ઉત્તરના પવનોના લીધે દિવસના મહત્તમ તાપમાનનો પારો પણ ઘટીને 24 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અટક્યો છે. ખાસ કરીને ભુજ-ગાંધીધામ જેવા શહેરોના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને 56 ટકા થઈ ગયું છે. સૂકું વાતાવરણ ઠારનો માર વધુ કાતિલ બનાવી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, "આગામી દિવસોમાં ગાત્રો થીજાવી દેતી ઠંડીનું જોર ઉત્તરોત્તર વધે તેવી શક્યતા છે."