- વાવાઝોડાને લીધે કચ્છના ગામોમાં 25થી 40 ટકા જેટલું નુકસાન
- કચ્છ જિલ્લાના ગામોમાં કેરીના પાકને ભારે નુકસાન
- ખેડૂતોની સરકાર પાસે યોગ્ય વળતરની માગ
કચ્છ: ભુજ તાલુકાના કોટડા ચકાર વિસ્તારમાં તથા માંડવી તાલુકા ગઢશીશા વિસ્તારમાં બાગાયતી ખેતી મોટા પાયે કરવામાં આવે છે. ભારે પવનને કારણે કચ્છી કેરીનો પાક ખરી પડ્યો હતો. કાચી કેરીઓ ખરી પડતા બજારમાં ભાવ લેવા ખેડૂતને મુશ્કેલ બન્યા છે. કેરી, જાંબુ, ખારેક, દાડમ સહિત બાગાયતી પાકોને પણ નુકસાન પહોંચ્યું છે. ત્યારે મગ, તલ ,બાજરી એરંડા જેવા ઉભા પાકને પવનથી નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.
વાવાઝોડાના પગલે ખેડૂતોની હાલત કફોડી થઈ
કેસર કેરીનો પાક કચ્છમાં સારો એવો થયો હતો. ત્યારે એક મહિનાની અંદર કેરીનું વેચાણ અને પાક વધારે ઉતર્યો હોત તેવું ખેડૂતોએ જણાવ્યું હતું, પરંતુ વાવાઝોડાની અસરના પગલે ભારે પવન ફૂંકાયો હોવાથી કેરીને નુકસાન પહોંચ્યું હતું. વરસાદના છાંટા પડે તો પણ કેરીને નુકસાન પહોંચે છે અને જીવાત થઈ જાય છે. જેથી નુકસાન વેઠવાનો વારો આવતા આ વર્ષે પણ ખેડૂતો અને વેપારીઓની હાલત કફોડી થઈ છે.
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને પગલે બાગાયતી પાકોને આશરે 500 કરોડ રૂપિયાનું નુકસાન
ભારે પવનથી આંબાના વૃક્ષો નીચે હજારો કિલો માલ ખરેલો જોવા મળ્યો
કચ્છની કેસર કેરીની રાહ જિલ્લા ઉપરાંત દેશ વિદેશમાં પણ જોવાતી હોય છે. આ વખતે વાવાઝોડાની અસરના કારણે હવે માલ બજારમાં ઓછો આવશે અને ભાવ પણ ઊંચા જોવા મળશે. ભારે પવનથી આંબાના વૃક્ષો નીચે હજારો કિલો માલ ખરેલો જોવા મળ્યો હતો.
ખરેલી કેરીનો 2 રૂપિયે કિલો પણ ભાવ નહીં મળે
આ અંગે નુકસાનની વિગતો આપતા ખેડૂતોએ જણાવ્યું હતું કે, વાવાઝોડાના પગલે જે કેરીઓ ખરી છે તેની બજારમાં 2 રૂપિયા પણ કિંમત નહીં આવે. તથા ગામોમાં ભારે પવનના કારણે અંદાજિત 25 ટકા કેસર કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે.
ઘણા સમયથી કમોસમી વરસાદ અને ભારે પવનથી નુકસાની થતી આવે છે
છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષે આ સમયગાળા દરમિયાન ભારે પવન અને કમોસમી વરસાદથી પણ આંબાના પાકને નુકસાન થતું આવ્યું છે. જ્યારે ચાલુ વર્ષે તૌકતે વાવાઝોડાની અસરથી ફૂંકાતા ભારે પવનને કચ્છ જિલ્લાના ઘણા વિસ્તારોમાં આંબાના પાકને નુકસાન પહોંચાડ્યું હતું.
આ પણ વાંચો: સાસણ-તાલાલા ગીર પંથકમાં ભર ઉનાળે કમોસમી વરસાદ, કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન
25 ટકાથી 40 ટકા વૃક્ષોમાં નુકસાની
કોટડા ચકાર ગામમાં 5,000થી વધારે કેરીના વૃક્ષો છે. જેમાંથી 25 ટકાથી 40 ટકા વૃક્ષોમાં વાવાઝોડાના લીધે ફૂંકાયેલા પવનમાં ભારે નુકસાની થઈ હતી. એક તો કોરોના ના કારણે ખેડૂતોને પાકના ભાવોમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને ઉપરથી આ વાવાઝોડાને લીધે પાકમાં પણ ઘણું નુકસાન થયું છે માટે ખેડૂતોએ વાવાઝોડાને લીધે કેરીના પાકને જે નુકસાન થયું છે તે અંગે યોગ્ય વળતર મળે તેવી સરકાર પાસે માંગણી કરી છે.