- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 11 નવેમ્બરે કચ્છ આવશે
- કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના સરહદી ગામોના સરપંચ અને અધિકારીઓ સાથે બેઠક યોજશે
- 11 નવેમ્બરનું રાત્રી રોકાણ ધોરડો સફેદ રણના ટેન્ટ સિટીમાં કરશે
કચ્છ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આગામી તારીખ 12 નવેમ્બરના રોજ કચ્છ જિલ્લાની મુલાકાત લેવાના હતા. જે બાદ કચ્છ પ્રવાસના કાર્યક્રમમા આંશિક ફેરફાર કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 11મી નવેમ્બરના રોજ કચ્છ આવશે. 11મી નવેમ્બરનું રાત્રી રોકાણ ધોરડો સફેદ રણના ટેન્ટ સિટીમાં કરશે. કચ્છ પ્રવાસમાં અમિત શાહ સાથે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જોડાશે.
3 જિલ્લાના સરહદી ગામોના સરપંચ તેમજ અધિકારીઓ સાથે બેઠક યોજશે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ધોરડો ખાતે આવેલા ટેન્ટ સિટીમાં રાત્રી રોકાણ કરશે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ 11 નવેમ્બરના રોજ તેમની સાથે જ કચ્છ આવશે. રાત્રી રોકાણ બાદ 12મી નવેમ્બરના રોજ સરકારી વિભાગ દ્વારા વિવિધ યોજના અંતર્ગત ઉભા કરવામાં આવેલા સ્ટોલમાં યોજના નિહાળી અને અમુક પ્રકલ્પન ખુલ્લાં પણ મુકશે. આ ઉપરાંત સવારે 11થી 2 કલાક દરમિયાન કચ્છ, બનાસકાંઠા અને પાટણ એમ 3 જિલ્લાના સરહદી ગામોના સરપંચ તેમજ અધિકારીઓ સાથે બેઠક યોજશે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી બેઠકમાં સંબોધન કરશે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આ બેઠકમાં સંબોધન કરવાના છે. સરહદી ગામોના વિકાસ માટે મળતા નાણાનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે, તે અંગેના અભિપ્રાય સરપંચો પાસેથી મેળવશે. BADPની યોજના ભવિષ્યમાં કેવી રીતે વિસ્તારી શકાય અને સાચા અર્થમાં નાણાનો ઉપયોગ થાય, એ બાબતે સમજ આપી ચર્ચા કરશે.
કેન્દ્રીય ગૃહપ્રધાન સીમા સુરક્ષાદળના અધિકારીઓ સાથે બેઠક કરશે
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહપ્રધાન સીમા સુરક્ષાદળના અધિકારીઓ સાથે બેઠક કરશે. તેમજ બપોરનું ભોજન ધોરડોમાં જ કરશે. જો કે, હજૂ સત્તાવાર રીતે કોઇ કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી નથી, તેમ સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.