- રાજ્યમાં પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીનો જંગ
- અબડાસા બેઠકમાં 15 વખત ચૂંટણી યોજાઈ છે
- બેઠકમાં કુલ 2,34,000 મતદારો
કચ્છઃ 1962માં અબડાસા વિધાનસભાની ચૂંટણી યોજાયા પછી 2 પેટા ચૂંટણી મળીને આ કુલ 15મી ચૂંટણી યોજાઈ રહી છે. 2012 પછી 2020 સુધીમાં આ છેવાડાના સરહદી અને કાચા સોના જેવી જમીન ઘરાવતી અબડાસાની પ્રજા ચોથી વખત મતદાન કરશે. 2012માં સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર છબીલ પટેલ 2014માં ભાજપમાં જોડાયા હતા અને તે પછી પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. આ પછી 2017ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના પદ્યુમનસિંહ જાડેજા વિજેતા થયા પછી 2020માં ભાજપમાં જોડાતા ફરી પેટા ચૂંટણી આવી છે.
2,34,000 મતદારો
6200 ચોરસ કિ.મીનો વિસ્તાર ધરાવતી અને 3 તાલુકા સમાવતી આ બેઠકમાં કુલ 2 લાખ 34 હજાર જેટલા મતદારો આગામી 3 નવેમ્બરના રોજ પોતાના ભાવિ ધારાસભ્યનું ભાવિ મતદાન પેટીમાં કેદ કરશે. 431 મતદાન બૂથ માટે ચૂટણી પંચ સતત કામે લાગ્યું છે. મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની આ લડાઈમાં આ વખતે ત્રણ મુસ્લિમ અપક્ષ ઉમેદવારઓએ પણ ઉમેદવારી નોંધાવી છે. જેથી મતદારોનો રૂખ જાણવો રાજકીય પંડિતો માટે પણ અઘરો બન્યો છે.
મતદારોનું વિભાજન
અબડાસાા વિધાનસભાની 2 લાખ 34 હજાર મતદાર પૈકી 62 હજાર જેટલા મુસ્લિમ મતદાર, 32 હજાર જેટલા અનુસૂચિત સમુદાયના મત, 30થી 32 હજાર ક્ષત્રિય મતો અને તેટલા જ પટેલ સમુદાયના મત પણ મહત્વપુર્ણ ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે કોંગ્રેસની પરંપરાગત બેઠકમાં એક લાખ મત મળતા હોવાનું રાજકીય પંડિતો માને છે અને તેથી જ આ વખતે ત્રણ અપક્ષ ઉમેદવાર કોના મત જોડશે અને કોના મત તોડશે એ સમીકરણ અઘરૂ બની ગયું છે. ભાજપ-કોંગ્રેસ બન્ને પોતાના રાજકીય સમીકરણના આધારે ગણિત માંડીને વિવિધ રીતે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ આ વિસ્તારના મતદારોનું મન શું છે તે 10 નવેમ્બરના રોજ જ સ્પષ્ટ થઈ શકશે. કોંગ્રેસ પોતાની બેઠક જાળવી શકશે, કે ભાજપ 'નો રિપીટ'ની પરંપરાને તોડીને પોતાની જોળીમાં વધુ એક બેઠક ઉમેરશે તે સમગ્ર જિલ્લાં ચર્ચાઈ રહ્યું છે.
ચૂંટણીના મુખ્ય મુદ્દા
રાજયમાં સૌથી ઠંડા મથક તરીકે જાણીતા નલિયા મુખ્ય મથકની આ અબડાસા બેઠકમાં આમ તો અનેક પ્રશ્નો છે, પરંતુ આરોગ્ય, શિક્ષણ,પાણી સહિતના માળખાગત સુવિધાના મુદ્દે લોકો નારાજ હોય છે. ભાજપ વિકાસના વિવિધ મુદ્દા આગળ ધરી રહી છે, તો કોંગ્રેસ સ્થાનિક સમસ્યાઓ અને ભાજપ સરકારની નિષ્ફળતાઓને મુદ્દે મતદારો સમક્ષ પહોંચી રહ્યું છે.
2012થી 2017 સુધીનો ઈતિહાસ
વર્ષ 2012માં કોંગ્રેસના છબીલ પટેલ 7614 મતથી ભાજપના જંયતિ ભાનુશાલી સામે જીત્યા હતા. તો 2014માં કોંગ્રેસના શકિતસિંહ ગોહિલ 401 મતથી ભાજપના ઉમેદવાર છબીલ પટેલ સામે વિજેતા થયા હતા. આ પછી 2017મી સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પદ્યુમનસિંહ જાડેજા 9746 મતની સરસાઈથી ભાજપના ઉમેદવાર છબીલ પટેલ સામે જીત્યા હતા. 2014ની પેટા ચૂંટણી અને 2017ની સામાન્ય વિધાનસભા ચૂંટણીમાં હારજીતના પરિણામની મોટી અસર પડી હતી. કોંગ્રેસે આ બેઠક 2012, 2014 અને 2017માં જાળવી રાખવી પણ સામે ભાજપમાં આંતરિક જૂથબંધી એટલે સુધી વધી કે ભાજપના પૂર્વધારાસભ્ય જંયતિ ભાનુશાલીની હત્યા પણ થઇ છે. જેમાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ જેલવાસમાં પણ છે. આ સ્થિતીમાં આ પેટા ચૂંટણીની લડાઈ ખૂબ રસપ્રદ અને ચર્ચાસ્પદ બની છે.