કચ્છ : ગુજરાતમાં ઈન્ફલુએન્ઝા વાયરસના વધેલા કેસો વચ્ચે કચ્છમાં હજી આ બીમારીનો કોઈ કેસ નોંધાયો નથી. પરંતુ આ વાયરસનાં પરીક્ષણ માટે પણ કોઈ કિટ ઉપલબ્ધ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. તો કોવિડના હાલ 2 એક્ટિવ કેસ છે અને સીઝનલ વાયરસનો 1 કેસ એક્ટિવ છે. જેમાં કોરોનાનો એક કેસ મેઘપર બોરીચીમાં છે અને એક રાપરમાં છે.
જીકે જનરલ હોસ્પિટલમાં લેબ પરીક્ષણ : જિલ્લાના એપીડેમિક મેડિકલ ઓફિસર (EMO) ડો. જીતેશ ખોરાસિયાએ જણાવ્યું હતું કે,ડબલ ઋતુના લીધે અને વાયરલ સીઝનના કારણે ફલૂના કેસોમાં વધારો થયો છે અને શંકાસ્પદ કેસોને તપાસણી માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં લેબોરેટરીમાં મોકલવામાં આવે છે.હાલ જિલ્લામાં કોરોનાના 2 કેસ એક્ટિવ છે જેમાં 1 કેસ મેઘપર બોરીચીમાં છે અને એક રાપરમાં છે. હાલમાં H3N2 એટલે કે ઈન્ફલુએન્ઝા વાયરસની નવી બીમારી છે તેને એક ખતરનાક વાયરસ કહેવામાં આવી રહ્યું છે. તેનું લેબ પરીક્ષણ હાલમાં ફક્ત કચ્છ જિલ્લામાં ભુજની અદાણી હોસ્પિટલ એટલે કે જીકે જનરલ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં જ પ્રાપ્ય છે. આ પરીક્ષણ હાલમાં નથી થઈ રહ્યું.
હાલમાં જિલ્લામાં H3N2નું પરીક્ષણ નથી થઈ રહ્યું : ભુજની જનરલ હોસ્પિટલમાં આવેલ લેબોરેટરીના માઇક્રોબાયોલોજીસ્ટ ડૉ. હિતેશે જણાવ્યું હતું કે H3N2 ના લેબ પરિક્ષણ માટે કીટ અત્યારે હાલમાં કચ્છમાં ઉપલબ્ધ નથી પણ ગાંધીનગરથી તેનો સ્ટોક મંગાવવામાં આવ્યો છે જે હજી સુધી નથી આવ્યો. ટૂંક સમયમાં કીટ કચ્છને પ્રાપ્ત થઈ જશે એટલે આવતા અઠવાડિયાથી 20 તારીખ પછી લેબ પરીક્ષણ થઈ શકશે.એટલે કચ્છમાં હાલમાં H3N2 ના કેસો એક્ટિવ હશે તે જાણી પણ નહીં શકાતું હોય.મેડિકલ ઓફિસર એક તરફ જણાવે છે કે H3N2 ના ટેસ્ટ માટે કોઈ કીટ ઉપલબ્ધ નથી અને એક બાજુ નમૂનાઓ રાજકોટ કે ગાંધીનગર મોકલવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો Gujarat Corona Update : કોરોનાના કેસ 100ને પાર, 24 કલાકમાં 119 કેસ નોંધાયા, અમદાવાદમાં 63 કેસ
જિલ્લામાં કોરોનાના 2 કેસો એક્ટિવ : એપીડેમિક મેડિકલ ઓફિસરે કોરોના કેસ અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં ગભરાવા જેવું નથી. જિલ્લામાં માત્ર બે કેસો એક્ટિવ છે. એક રાપર સીટીનો કેસ છે જે 37 વર્ષનો એક યુવાન હાલમાં બરાબર છે અને એની પરિસ્થિતિ હાલમાં સ્ટેબલ છે.અન્ય મેઘપર બોરિચીના 80 વર્ષના વૃદ્ધ જે ગાંધીધામની પ્રાઇવેટ હોસ્પિટલમાં પોતે સારવાર લઇ રહ્યા છે અને તેમની સારવાર પણ અસરકારક છે અને તેઓ પણ સ્ટેબલ છે.
ઈન્ફલુએન્ઝા વાયરસના લક્ષણો દેખાય તો હોસ્પિટલમાં તપાસ કરાવવી : હાલમાં કચ્છમાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે અત્યારે બેવડી ઋતુના હિસાબે શરદી, ઉધરસ તેમજ ઋતુ ચેન્જ થવાના કારણે આવા વાયરલજન્ય રોગો વધી રહ્યા છે. લોકોએ આરોગ્યલક્ષી બધી કાળજી રાખવી જોઈએ અને વારંવાર હાથ ધોવા તેમજ સ્વચ્છતા જાળવવા. આવી સીઝનમાં નાના બાળકોનું ધ્યાન રાખવું તેમજ 6 વર્ષથી નાના બાળકો અને 60 વર્ષથી લોકો હોય તેમને વધારે તકલીફ પડતી હોય છે. જેમને ખૂબ જ તકલીફ પડતી હોય છે એટલા માટે ઘરમાં આવા લક્ષણો વાળા કોઈપણ કેસો હોય તો નાના બાળકોને વૃદ્ધ લોકોને તેનાથી અલગ રાખવા અને કોઈ ગંભીર ઈન્ફલુએન્ઝા વાયરસના કોઈ દર્દી આસપાસ જણાઈ આવે તો તેને તાત્કાલિક જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર લેવી જોઈએ.
આ પણ વાંચો Kutch News: કચ્છના ઘુડખર અભ્યારણમાં ગેરકાયદે મીઠાની ખેતી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં કરાઈ અરજી
21 PHC ખાતે 770 કોવેક્સિનના ડોઝ જ ઉપલબ્ધ : જિલ્લામાં કોરોના રસીના સ્ટોક અંગે આરોગ્ય તંત્રમાંથી મળતી માહિતી મુજબ જિલ્લામાં કોવેક્સિનના 21 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 770 ડોઝ જ ઉપલબ્ધ છે. જ્યારે કોવિશિલ્ડનો જથ્થો નથી.770 ડોઝ પૈકી સૌથી વધુ 100 ડોઝ જૂના કટારિયા ખાતે 100 ડોઝ, 90 આમરડી ખાતે 90 ડોઝ, ચાંદરાણી, દહીંસરા, દેશલપર-વાંઢાય, ધાણેટી, ગાંધીધામ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને મંગવાણા ખાતે 50-50 ડોઝ તો ભુજના અર્બન હેલ્થ સેન્ટર, ધોળાવીરા અને જંગી ખાતે 40-40 ડોઝ, અંજારના CHCમાં 30 ડોઝ, આધોઈ, આસંબિયા નાના, દેશલપર ગુંતલી અને રવાપર ખાતે 20-20 ડોઝ અને ઉપરાંત ઘડુલી, કેરા, મેઘપર બોરીચી, મીઠીરોહર અયને તલવાણા ખાતેના પીએચસીમાં રસીના 10-10 ડોઝ ઉપલબ્ધ છે.