કચ્છ : આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તે પહેલાં જ તમામ રાજકીય પક્ષો સક્રિય બની ગયા છે અને સત્તા મેળવવા લોકસંપર્કના કાર્યક્રમો ગોઠવી રહ્યા છે. જે અંતર્ગત આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તથા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal addressed the public in Kutch) અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ગાંધીધામના ડિટીપી એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે આગામી વિધાનસભાની ચૂંટણીલક્ષી જાહેર સભાને સંબોધન કર્યું હતું.
જનતાને જુદી જુદી ગેરંટીઓ આપવામાં આવી : ઇસુદાન ગઢવીએ કચ્છની જનતાને ખાતરીઓ આપતા જણાવ્યું હતું કે, આપની સરકાર આવશે તો લોકોને ફ્રીમાં સારવાર મળશે. કચ્છની ખાનગી હોસ્પિટલને ટક્કર આપે તેવી સરકારી હોસ્પિટલ ઊભી કરાશે. તો 18 વર્ષથી વધુ વયની મહિલાઓને દર મહિને 1000 રૂપિયા અપાશે. ખેડૂતોને પવનચક્કી તેમજ જમીન મુદ્દે પૂરતો વળતર આપવામાં આવશે. કચ્છના શ્રમિકોના બાળકો કડકડાટ અંગ્રેજી બોલે તેવી શાળાઓ કચ્છમાં બનાવવામાં આવશે. આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો સરકારી કાગળિયા, સાત બાર બનાવવાના હોય, રાશન કાર્ડ હોય માત્ર મિસ્કોલ મારીને ઘરે આવીને કર્મચારીઓ કામ કરશે. આમ જનતાને જુદી જુદી ગેરંટીઓ આપવામાં આવી હતી.
આમ આદમી પાર્ટી વીજળીની, શિક્ષણની, આરોગ્યની વાત કરે છે : પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને જનતાને સંબોધતા જણાવ્યું હતું કે, કચ્છના લોકો વિશે સાંભળ્યું હતું કે, કચ્છના લોકો જે નિર્ણય લે છે તે નિર્ણય સમગ્ર ગુજરાત અપનાવી લે છે. આજે મોંઘવારી, ગરીબી, બેરોજગારી સમગ્ર દેશની સમસ્યાઓ છે. આમ આદમી પાર્ટી આ તમામ સમસ્યાઓ દૂર કરશે. ભાજપની સરકાર આમ આદમી પાર્ટીથી નથી ડરતી આમ જનતાથી સરકાર ડરી રહી છે. ભાજપ સરકાર ધર્મની વાત કરે છે. આમ આદમી પાર્ટી વીજળીની, શિક્ષણની, આરોગ્યની વાત કરે છે.
લોકોમાં આમ આદમી પાર્ટી માટે વિશ્વાસ જાગ્યો છે : વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જનતા પાસે અગાઉ કોઈ વિકલ્પ ન હતો. કોંગ્રેસ પાર્ટીમાંથી કોઈ પ્રધાન બનવા માટે તૈયાર નથી, પરંતુ હવે આમ આદમી પાર્ટી આવી ગઈ છે. પંજાબમાં આમ આદમી પાર્ટીને 6 માસ પૂર્ણ થયા છે, ત્યારે વીજળી બિલ શૂન્ય થયા છે. જાન્યુઆરી મહિનામાં 74 લાખ લોકોમાંથી 69 લાખ લોકોનું વીજળી બિલ શૂન્ય આવશે. ઉપરાંત આમ આદમી પાર્ટીએ ભ્રષ્ટાચાર બંધ કરાવ્યું છે. લોકોમાં વિશ્વાસ જાગ્યો છે કે, તેમના ટેક્સના પૈસા તેમને પાછા મળશે માટે આમ આદમી પાર્ટીની સરકાર બની છે. ભાજપ સરકાર પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, નોટબંધી કરવાથી ભ્રષ્ટાચાર ખતમ નથી થતું. ઝાડુથી મકાન દુકાન સાફ કરવામાં આવતું હતું હવે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં હિન્દુસ્તાનમાંથી ગંદકી સાફ કરવામાં આવશે માટે એક તક આમ આદમી પાર્ટીની સરકારને આપવામાં આવે તેવી અપીલ કરી હતી.
અરવિંદ કેજરીવાલે કહ્યું મને રાજનીતિ કરતા નથી આવડતી : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જનતાને કી અયો કચ્છી ભા ભેનું બોલીને કચ્છીમાં કચ્છની જનતાને સંબોધ્યા હતા. છેલ્લાં કેટલાક મહિનાઓથી હું ગુજરાત આવ્યું છું. મને ગુજરાતના લોકો પાસેથી ખૂબ પ્રેમ મળી રહ્યો છે. હું જનતાના પ્રેમનો કામ કરીને કર્જ ઉતારિશ મને રાજનીતિ કરતા નથી આવડતી, કામ કરતા આવડે છે. મારા પાસેથી શાળા બનાવી લ્યો શાળા બનાવી દઈશ, આરોગ્ય મેળવવું હોય તો હોસ્પિટલ બનાવી દઈશ, પરંતુ ભ્રષ્ટાચાર કરતાં નથી આવડતું. આમ આદમી પાર્ટીએ જનતાની સેવા કરી છે. દુઃખી લોકોના દુઃખ દૂર કર્યા છે. રાષ્ટ્ર નિર્માણના કાર્ય કર્યા છે. બેંક એકાઉન્ટમાં ભલે પૈસા નથી પણ પુણ્ય કમાવ્યા છે.
જૂના તમામ વીજળી બિલો માફ કરવામાં આવશે તેવા વાયદા કર્યા : આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો મફત વીજળી અંગે ગેરંટી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યપ્રધાનને પૂછજો તેમને કેટલી વીજળી બિલ આવે છે. કેટલી વીજળી ફ્રીમાં મળી રહી છે માટે ગુજરાતની જનતાને પણ ફ્રીમાં વીજળી મળવી જોઈએ. જો આમ આદમી પાર્ટીની સરકાર આવી તો 1 માર્ચથી કચ્છના લોકોના વીજળીનું બિલ શૂન્ય આવશે તેમજ જૂના તમામ વીજળી બિલો માફ કરવામાં આવશે તેવા વાયદા કર્યા હતા.
આમ આદમી પાર્ટીને મત આપે તેવી અપીલ કરાઈ : હાલમાં ગુજરાતમાં ખૂબ મોંઘવારી વધી ગઈ છે. લોકોને ખોટા વીજળી બિલો મૂકવામાં આવે છે. દિલ્હીમાં તમામ લોકોના વીજળીના બિલ શૂન્ય થઇ ગયા છે. દિલ્હીમાં અને પંજાબમાં જૂના વીજળી બિલો માફ કરવામાં આવ્યા છે. તેવી જ રીતે કચ્છમાં કાર્ય કરવામાં આવશે. કચ્છના દરેક ગામની અંદર સરકારી શાળા શરૂ કરવામાં આવશે. 18 વર્ષથી ઉપરની વયની બહેનોના એકાઉન્ટમાં દર મહિને મહિલાદીઠ 1000 રૂપિયા આપવામાં આવશે. જ્યાં સુધી લોકોને રોજગાર નહીં મળે ત્યાં સુધી 3000 રૂપિયા બેરોજગારી ભથ્થુ આપવામાં આવશે. લોકોને અપીલ કરી હતી કે, રોજગારી જોઈએ તો આમ આદમી પાર્ટીના બટનને દબાવી દેજો અને તમામ લોકો ભેગા થઈ ભરી બહુમતીથી આમ આદમી પાર્ટીને મત આપો અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવો.