કચ્છ : આજથી 3 દિવસ માટે કચ્છના ધોરડો ખાતે G-20 સમિટનો પ્રારંભ થશે .જી 20ના સભ્યો ભુજ એરપોર્ટ પર પહોંચ્યા છે. ચાર્ટડ એરબસમાં તમામ ડેલીગેટ્સ ભુજ એરપોર્ટ પર પહોંચ્યા છે. કચ્છના સફેદ રણ ખાતે આજે સાંજે ધોરડો ટેન્ટસીટીમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી રજૂ કરવામાં આવશે.
સંસ્કૃતિની ઝલક સાથે સ્વાગત : ધોરડો ખાતે યોજાનારી જી-20 પરિષદમાં હાજરી આપવા માટે આજે ભુજ એરપોર્ટ પર વિદેશી ડેલીગેટ્સ આવી પહોંચ્યા હતા.તેઓનું કચ્છની ધરતી પર કુમકુમ તિલક કરી પાઘ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. ભુજ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને એરપોર્ટ બહાર સાંસ્કૃતિક રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કચ્છી સંસ્કૃતિની ઝલક મહેમાનોને દેખાડવામાં આવી હતી.કચ્છ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ તથા લોકોએ રાષ્ટ્રધ્વજ સાથે ડેલીગેટ્સને આવકાર્યા હતા.
આ પણ વાંચો G20 Meeting 2023: દેશ અને વિદેશના ડેલિગેટ્સ ત્રણ દિવસ બનશે કચ્છના મહેમાન, જી20 બેઠકની તડામાર તૈયારી
સાંજે ધોરડોમા બેઠક યોજી સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે : એરપોર્ટ પર આવ્યા બાદ તમામ પ્રતિનિધિઓનું કુમકુમ તિલક અને કચ્છી પાઘ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને ભુજ એરપોર્ટ પર સત્કાર માટે 15 થી 20 મિનિટ રોકાણ બાદ તેઓ ખાસ વોલ્વો બસમાં ધોરડો જવા રવાના થયા હતા. વોલ્વો બસમાં તેમજ ઝેડ પ્લસ સિક્યુરિટી સાથે તેઓ ધોરડો જવા રવાના થયા હતા.બપોરે ધોરડો ટેન્ટસીટીમાં આમંત્રિત મહેમાનો કચ્છી ભોજન આરોગશે અને આરામ કર્યા બાદ સાંજે સાત કલાકેથી ધોરડો ટેન્ટસીટીમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી રજૂ કરવામાં આવશે તેમજ રોડ શોમાં વિવિધ કલાકૃતિઓ રજૂ થશે.
આ પણ વાંચો G20 summit in India ગાંધીનગરમાં G20 અંતર્ગત 22થી 24 જાન્યુઆરી સુધી યોજાશે બિઝનેસ 20 ઇન્સેપ્શનની બેઠક
વસુધૈવ કુટુમ્બકમની ભાવના વિશ્વભરમાં વ્યાપશે : ભાજપના કાર્યકર જી 20 સમીટ અંગે ઉત્સાહ રજૂ કરતાં ચિંતન રાવલ જણાવ્યું હતું કે, આ જી 20 બેઠક કચ્છ માટે મહત્વપૂર્ણ સાબિત થશે અને ન માત્ર કચ્છ કે ગુજરાત સમગ્ર ભારતને આ બેઠકથી ફાયદો થશે કચ્છના પ્રવાસનને ફાયદો થશે. લોકો જાણે દિવાળીની જેમ જુદાં જુદાં દેશોના ડેલીગેટ્સનું સ્વાગત કરી રહ્યા છે અને તહેવાર જેવો માહોલ સર્જાયો છે. વસુધૈવ કુટુમ્બકમની ભાવના વિશ્વભરમાં વ્યાપશે.
ઉત્સાહપૂર્વક જી 20ના સભ્યોને આવકાર્યું : કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ગોદાવરીબેન ઠકકરે જણાવ્યું હતું કે કચ્છ એ સુકો રણપ્રદેશ છે અને ખારો પાણી છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કચ્છને વિશ્વભરમાં પ્રસિદ્ધ કરીને અલગ ઓળખાણ આપી છે. ત્યારે મહિલાઓ પણ જી 20ના સભ્યોને આવકારવા ઉત્સુક છે.