કચ્છ : ભુજ તાલુકાના ચપરેડી ગામે રહેતા એક જ પરિવારના 17 જેટલા સભ્યોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. ગત રાત્રે ભોજન આરોગ્ય બાદ બાળકો સહિત પરિવારના તમામ સભ્યોની તબિયત લથડી હતી. પરિવારના તમામ સભ્યોએ પરિવારના સભ્યએ જ બનાવેલી છાસ પીતા ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
એક જ પરિવારના સભ્યોને અસર : ચપરેડી ગામના એક જ પરિવારની 8 મહિલાઓ, 5 પુરુષો અને 4 બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે. તમામ સભ્યોને વહેલી સવારે સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જી.કે.જનરલ હોસ્પિટલના MoD વિજય પટેલે ઈટીવી ભારત સાથેની ટેલિફોનીક વાતચીતમાં આ કેસ વિશે જણાવ્યું હતું.
સવારે ચપરેડી ગામના એક જ પરિવારના 17 સભ્યોને ફૂડ પોઇઝનિંગ અસર થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. હાલમાં તમામની તબિયત સુધારા પર છે. ફૂડ પોઇઝનિંગની અસર 24 કલાક બાદ ઓછી થઈ જાય છે.તમામ સભ્યોને ઝાડા, ઉલટી જેવી અસર થઈ હતી. હાલમાં દવાની અસરથી સારું છે. 12-12 કલાકે દવા આપવામાં આવે છે...વિજય પટેલ (MoD, જી.કે.જનરલ હોસ્પિટલ )
એક સભ્યની તબિયત વધુ લથડી : 17 સભ્યો પૈકી એક પુરુષની વધુ તબિયત લથડતા ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. ઘરે બનાવેલી છાસ આરોગ્યા બાદ તબિયત લથડી હોવાનું સામે આવતા સમગ્ર પરિવારજનોને ફૂડ પોઇઝનિંગની અસરથી ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
વરસાદી વાતવરણમાં તકેદારી રાખવી અનિવાર્ય : આ ઉપરાંત છેલ્લાં એકાદ અઠવાડિયાથી વરસાદી વાતવરણના કારણે ભેજનું પ્રમાણ પણ વધુ રહેતું હોવાથી હવામાં બેકટેરિયાનો ફેલાવો પણ વ્યાપક પ્રમાણમાં રહેતો હોય છે ત્યારે લોકો કોઈક ને કોઈક બીમારીનો શિકાર બનતા હોય છે. આ બેવડી ઋતુમાં ખાસ કરીને દૂધ અને દૂધની બનાવટો જેવી કે દહીં, પનીર, છાશ વગેરે આરોગતા પહેલા ખાસ તકેદારી રાખવી અનિવાર્ય છે.