ભુજ: કચ્છમાં આજે વધુ પાંચ કેસ પોઝિટિવ આવતા કચ્છમાં કોરોનાની સંખ્યાની 58 પર પહોંચી ગઇ છે. આ સાથે જ કચ્છમાં તંત્રની કામગીરી પ્રત્યે લોકોમાં રોષ સાથે નારાજગી જોવા મળી રહી છે.
ખાસ કરીને કચ્છમાં સ્થાનિક માત્ર ચાર કેસ નોંધાયા છે, તે સિવાય 54 કેસ બહારથી આવેલા લોકોના નોંધાયા હોવાથી તંત્ર એ શરૂઆતથી જ અન્ય જિલ્લા જેમ કે જામનગર અને દેવભૂમિ દ્વારકાની જેમ સરકારી ક્વોરન્ટાઇનની નીતિ ન અપનાવવા અંગે લોકોમાં નારાજગી જોવા મળી છે. આજે ટ્વિટર પર સેવ કચ્છના નામે ટ્રેન્ડ કરવામાં આવ્યું હતું. જેમાં લોકોએ અસંખ્ય ટ્વીટ કરીને પોતાની નારાજગી દર્શાવી હતી અને સેવ કચ્છની માંગ કરી હતી.
બીજી તરફ આજે રાજ્યપ્રધાન વાસણભાઈ આહિરના અધ્યક્ષ સ્થાને અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં સરકારી કવોરેન્ટાટાઇન કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો હતો. જો કે, બીજી તરફ આ સત્તાવાર યાદીમાં 55 હજાર લોકો કચ્છમાં પહોંચી આવ્યા છે અને હવે અન્ય જિલ્લાઓમાંથી અવરજવર પણ થઈ રહી છે ત્યારે કઈ રીતે કામગીરી થશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.
આ વચ્ચે આજે કચ્છના મુખ્ય પ્રવેશદ્વાર ગણવામાં આવતા સામખયાળી ચેકપોસ્ટ પાર ચાર કિલોમીટર સુધી ખાનગી વાહનોની લાઇન લાગી તસવીરો પણ સામે આવી રહી છે, ત્યારે અત્યાર સુધી સફળ રહેલા તંત્રના અધિકારીઓ આ આકરી પરીક્ષામાં કેટલા સફળ થશે તે આવનારા સમયમાં ચોક્કસ થશે પણ હાલમાં કચ્છમાં ચિંતાનું મોજું છે એ વાત સ્પષ્ટ છે.