- ભુજ તાલુકામાં મુખ્યપ્રધાન સહાય યોજનાનો લાભ લેવા આવેદનપત્ર
- ખેડૂતોએ મામલતદાર કચેરી સામે કરાયા પ્રતીક ધરણા
- જિલ્લા ખેતીવાડી અધિકારીના ખોટા રિપોર્ટિંગથી ખેડૂતો સહાયથી વંચિત રહ્યાંનો આક્ષેપ
કચ્છ: ભુજ તાલુકાના ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વરસાદ ન પડતાં જિલ્લા ખેતીવાડી અધિકારી તથા ગ્રામ સેવકો દ્વારા નિષ્ફળ થયેલા પાક અંગે સર્વે કરવાનો હોય છે જેમાં અધિકારીએ કોઇપણ જાતનો સર્વે કર્યો નથી. સરકાર સમક્ષ 400 ગામનો અને 3600 સર્વે નંબરનો સર્વે કરવામાં આવ્યો છે તેવો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો જે સદંતર ખોટો રિપોર્ટ છે તેઓ આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો.
જિલ્લા ખેતીવાડી અધિકારી વિરૂદ્ધ પગલાં ભરવા માગણી
ઉપરાંત જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સરકાર સમક્ષ ખોટા રિપોર્ટ રજૂ કરી ખેડૂતોને ધાકધમકી આપવામાં આવે છે તથા ખેડૂતોને પોલીસ ફરિયાદની બીક બતાવી ખેડૂતોને આતંકવાદી સાથે સરખામણી કરવામાં આવે છે તેઓ આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો. ખેડૂતોમાં હાલ આક્રોશ ફેલાયો છે તથા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા મીડિયા સમક્ષ તેમજ સરકાર સમક્ષ સર્વે બાબતે ખોટો રિપોર્ટ બતાવીને સરકારને બદનામ કરવાનું કાર્ય કરવામાં આવ્યું છે. તો આવા અધિકારીઓ સમક્ષ તાત્કાલિક પગલાં ભરવાની માગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.
જિલ્લા ખેતીવાડી અધિકારીએ સરકારને ગેરમાર્ગે દોરી છે: ભારતીય કિસાન સંઘ
અમારી સરકાર સમક્ષ રજૂઆત છે કે તેમના અધિકારીઓ દ્વારા અમારા ખેતરનો સર્વે કરવામાં આવે અને મુખ્યપ્રધાન કિસાન સહાય અંતર્ગત અમને સહાય આપવામાં આવે. જેથી આવતા સમયમાં આ સહાયની રકમ અમને રવિ પાકની વાવણી માટે ઉપયોગી થઇ શકે. બીજો પ્રશ્ન એ છે કે કચ્છ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સરકાર સમક્ષ સર્વેનો ખોટો રિપોર્ટ રજૂ કરીને ખેડૂતો સાથે દ્રોહ કરાયો છે, સરકારને ગેરમાર્ગે દોરી છે માટે તેમની સામે તાત્કાલિક પગલાં ભરાય તે અર્થે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
અધિકારી કે ગ્રામસેવક દ્વારા સ્થળ પર જઈને સર્વે નથી કરાયો: મંત્રી ભારતીય કિસાન સંઘ
31 ઓગસ્ટ સુધી સારો વરસાદ ન પડતાં મુખ્યપ્રધાન કિસાન સહાય યોજના અંતર્ગત સહાય માટે જે ધારાધોરણો નક્કી કરવામાં આવ્યાં હતાં એ ધારાધોરણો અનુસાર અમને સહાય મળવાપાત્ર છે. પરંતુ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સર્વે કર્યા વગર જ સરકાર સમક્ષ રિપોર્ટ મૂકવામાં આવતા અમને સહાય મળી નથી. સરકાર સમક્ષ 400 ગામના 3600 સર્વેની વાત કરવામાં આવી છે. પરંતુ કોઈ અધિકારી કે ગ્રામસેવક દ્વારા સ્થળ પર જઈને કોઈ પણ જાતનું સર્વે કરવામાં આવ્યો નથી માટે સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી અમારી અપીલ છે.
આ પણ વાંચોઃ કચ્છ જિલ્લામાં સમયસર વરસાદ ન આવતા વાવણી વ્યર્થ જાય તેવી ભીતિ
આ પણ વાંચોઃ અતિવૃષ્ટિથી પાકને નુકસાન, રાજ્ય સરકાર આ 3 જિલ્લા માટે હેક્ટર દીઠ 20 હજારની સહાયની જાહેરાત કરશે