કચ્છ રણોત્સવ 2019ની ઉજવણીના આયોજન સાથે જ ચોમાસાના ભારે વરસાદ ઉપરાંત કમોસમી વરસાદથી સફેદ રણમાં પાણી સુકાયા નહોતા. જેને લઇને આયોજન એક માસ ઠેલવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે 1 નવેમ્બરના રોજ રણોત્સવની શરૂઆત કરી દેવામાં આવે છે. પરંતુ ચાલું વર્ષે પાણી સુકાયા ન હોવાથી ધોરડોના સરંપચ અને રણોત્સવના પાયાના આયોજક મિયાંહુસેન ગુલેબગ સહિતના આયોજકોએ આયોજન ડિસેમ્બર માસના અંતિમ સપ્તાહમાં કરવાનું સુચન કર્યું હતું.
કચ્છના તંત્રએ અને તત્કાલીન જિલ્લા કલેક્ટર એમ.નાગરાજને આ બાબત સ્વીકારીને 1 ડિસેમ્બરથી રણોત્સવની ઉજવણી કરાશે તેવું જણાવી પણ દીધું હતું. આ દરમિયાન અચાનક રાજ્ય સરકારે રણોત્સવ નિર્ધારિત સમયે 1 નવેમ્બરથી જ શરૂ કરવાનુ નક્કી કરી લીધું હતું. જેને પગલે લાખો પ્રવાસીઓ ડિસેમ્બર માસમાં પાણી સુકાય તે પહેલા જ રણ જોવા પહોંચીને નારાજ પણ થયાં હતા.
ડિસેમ્બરની કડકડતી ઠંડી શરૂ થઈ જતા હવે પાણી સુકાવા લાગ્યાં છે અને સફેદ રણ તેના આધ્યાત્મિક અનુભવ સાથે પ્રવાસીઓને આવકારવા તૈયાર છે. સ્થિતીમાં સુધારો આવવાથી હવે પ્રવાસીઓનો ધસારો પણ વધ્યો છે.
તંત્રની ખોટી ઉતાવળ વચ્ચે થયેલી સાચી ભુલ હવે સુધારી લેવામાં આવી છે. ટેન્ટ સીટીના આયોજન ખાનગી કંપની 'લલુજી એન્ડ સન્સ'ના મેનેજર ભાવિક શેઠના જણાવ્યા પ્રમાણે પ્રવાસીઓ આગામી 12 માર્ચ સુધી રણોત્સવની મજા માણી શકશે.
બીજી તરફ નાતાલ અને 31 ડિસેમ્બરને લઈને કચ્છ તરફ પ્રવાસીઓનો ઝોક વધ્યો છે. આ ધસારાને પગલે રણોત્સવના આસ-પાસના મોટા ભાગના હોમ સ્ટે, ટેન્ટ સીટી, હોટલ અને ધર્મશાળાઓ ફૂલ થઈ ગઈ છે. ભુજ માતાના મઢ કોટેશ્વર, માંડવી બીચ, કાળા ડુંગર, ઈન્ડિયા બ્રીજ, ભારત પાકિસ્તાન સરહદ અને મેમોરિયલ પાર્ક સહિતના પ્રવાસન સ્થળો પર પણ ધસારો જોવા મળી રહયો છે.