કચ્છ: વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોવીડ-19ના પગલે કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં 17 જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા હતા.જેમાંથી એક ૧ કેસ પોઝીટીવ આવ્યો છે. જયારે ૧૬ વ્યકિતઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. ત્યારે જિલ્લા તંત્ર દ્વારા એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને અન્યત્ર સ્થળોએ સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું છે. ગઇકાલ સાંજે ચાર વાગ્યાથી મંગળવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ 743 વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે.અત્યાર સુધી કુલ 32865 લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે.
કલેકટર કચ્છ અને આપત્તિવ્યવસ્થાપન શાખા દ્વારા જણાવ્યા મુજબ જિલ્લામાં કોરોના વાયરસના પગલે કુલ ૪૦૧૧ લોકોને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. બહારથી આવેલ શંકાસ્પદ દર્દીઓને તંત્ર દ્વારા ૧૪ દિવસના કવોરોન્ટાઇન પીરીયડમાં રાખવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૧૪૯૪ જેટલા વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન રાખવામાં આવ્યા છે. કુલ ૪૦૧૧ માંથી ૩૯૬૧ વ્યકિતોઓને ઘરમાં કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.
કોરોના વાયરસની તકેદારીના ભાગરૂપે શરૂ કરવામાં આવેલ હોમ ટુ હોમ સર્વે હેઠળ કચ્છમાં કુલ ૮૦૬ વ્યકિતઓને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાના દસ તાલુકામાં સોમવારથી શરૂ કરાયેલ આંગણવાડી કાર્યકર અને આશાબહેનો દ્વારા ઘરે ઘરે જઇને શરદી ખાંસી અને ઉધરસવાળી વ્યકિતઓની તપાસ પૈકીની કામગીરી હેઠળ કુલ ૨૦,૪૫,૨૧૪ લોકોનો સર્વે કરાયો છે.અત્યાર સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં ૯૨.૦૯ ટકા લોકોનો હોમ ટુ હોમ સર્વે કરાયો છે.