કચ્છ: મુન્દ્રા પોર્ટ અવારનવાર ડ્રગ્સના કારણે ચર્ચામાં આવે છે પરંતુ આ વખતે પોર્ટ પરથી ડ્રગ્સને બદલે એન્ટિક સામાન જપ્ત કરવામાં આવ્યો છે. કચ્છના મુન્દ્રા પોર્ટ ખાતે ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં DRIએ વિન્ટેજ આર્ટિકલ, પ્રાચીન વસ્તુઓ અને ઐતિહાસિક કલાકૃતિઓ જપ્ત કર્યાની જાણ કરી છે, જેની કિંમત રૂ. 26.8 કરોડ બજારમાં હોવાનો અંદાજ છે.
ઐતિહાસિક કલાકૃતિઓ જપ્ત: ઝડપાયેલા મુદ્દામાલની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 26 કરોડ 8 લાખ હોવાનું જાણવા મળ્યું છે. UK અને યુરોપમાંથી ચોરેલી કલાકૃતિઓનો મોટો જથ્થો મળ્યો છે. જેમાં ઊંડાણ પૂર્વક તપાસમાં કરવામાં આવશે તો અનેક ઘટસ્ફોટ થઈ શકે છે. વૈશ્વિક સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટેના સંકલ્પને ચાલુ રાખીને, ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ મુન્દ્રા પોર્ટ પર આયાત થયેલ કન્સાઇનમેન્ટમાંથી વિન્ટેજ આર્ટિકલ, પ્રાચીન વસ્તુઓ અને ઐતિહાસિક કલાકૃતિઓ જપ્ત કરી છે.
બાતમીના આધારે કાર્યવાહી: ડીઆરઆઇ દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર માહિતી મુજબ ચોક્કસ બાતમીના આધારે, ડીઆરઆઈએ જેબીએલ અલી, યુએઈથી મુન્દ્રા પોર્ટ પર આયાત કરવામાં આવી રહેલા એક આયાત કન્ટેનરની ઓળખ કરી હતી. તેની વિગતવાર તપાસ કરતા જણાઇ આવ્યું હતું કે કસ્ટમ્સ સમક્ષ આ આયાત કન્સાઇનમેન્ટ "Unaccompanied Baggage for Personal Effects” તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
જપ્ત કરાયેલી મોટાભાગની વસ્તુઓ યુરોપિયન દેશોની: ડી.આર.આઇની તપાસ દરમિયાન, કન્ટેનરમાં જૂની મૂર્તિઓ, વિન્ટેજ વાસણો, પેઇન્ટિંગ્સ, એન્ટિક ફર્નિચર અને અન્ય મૂલ્યવાન હેરિટેજ સામાન હોવાનું જણાયું હતું. કન્ટેનરમાંની કેટલીક વસ્તુઓ 19મી સદીની છે. આમાંની કેટલીક વસ્તુઓ, કિંમતી પથ્થરો, સોના, ચાંદીના બનેલા હતા અથવા સોના/ચાંદીના કોટિંગવાળા હતા. DRI દ્વારા જપ્ત કરાયેલી મોટાભાગની વસ્તુઓ યુરોપિયન દેશો, ખાસ કરીને યુકે અને નેધરલેન્ડની છે.