કચ્છઃ સરહદી કચ્છ જિલ્લો ઓરેન્જ ઝોન વચ્ચે ફરી ધીમે-ધીમે ધમધમતા થયા છે. આ સ્થિતીમાં મુખ્ય શહેરો ભુજ અને ગાંધીધામમાં મુખ્ય બજારોમાં સામાજિક અંતર જાળવવા અને માસ્ક સહિતના નિયમો માટે વેપારી સંસ્થાએ જવાબદારી ઉપાડી છે. તો ગાંધીધામમાં સામાજિક સંસ્થાએ એક હજાર કીટનું વિતરણ શરૂ કર્યું છે.
ભુજ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશનના પ્રમુખ અનિલ ગોરના જણાવ્યા પ્રમાણે દ્વારા આગામી દિવસોમાં અંદાજિત 50 હજાર માસ્ક ગુજરાત સરકારના આદેશથી વીતરણ કરવામાં આવશે.
ભુજમાં વેપાર ધંધા ચાલુ થઇ ગયા છે, ત્યારે લોકો ખરીદી માટે બહાર નીકળી રહ્યા છે. હજી સુધી અમુક લોકો ખરીદી માટે માસ્ક વગર નીકળે છે. આવા સંજોગોમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગ્રાહકોની જાગૃતિ માટે નિર્ણય લેવાયો છે. ભુજમાં આવેલા પાંચ હજાર દુકાનદારો તથા આવતા ગ્રાહકો માટે દરેક દુકાનદારને દુકાન દીઠ 10 માસ્ક આપવામાં આવશે. આ માસ્કની વિતરણ વ્યવસ્થા એસોસિએશન મારફત તથા સ્વયંસેવક મારફત પહોંચાડવામાં આવશે.
સંસ્થાના જોઇન્ટ સેક્રેટરી જગદીશ ઠક્કરની યાદીમાં જણાવાયું હતું કે, મહાઅભિયાનમાં નવ નિર્માણ ટ્રસ્ટ અને સર્વ સેવા સંઘ ભુજ દ્વારા જીગર છેડાની આગેવાની હેઠળ સાંસદ વિનોદ ચાવડા તથા તારાચંદભાઇ છેડાના હસ્તે 10 હજાર માસ્ક ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ અનિલ ગોરને આપવામાં આવ્યાં હતાં. ચેમ્બર પ્રમુખે આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
બીજીતરફ ગાંધીધામમાં રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા દુકાન દીઠ 10 માસ્ક અને 10 એમએલની સેનેટાઈઝર બોટલની એક હજાર કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સંસ્થાના અગ્રણી નંદલાલ ગોયલના જણાવ્યા પ્રમાણે શુક્રવારે જ આ કામગીરી આટોપી લેવાઈ છે. ગાંધી માર્કેટથી સરદાર વલ્લભભાઈ પટેલના પુતળા સુધી મુખ્ય બજારમાં મોટાભાગે કીટનું વિતરણ થઈ ગયું છે અને હજુ પણ સંસ્થા સેવા માટે તૈયાર છે.