કચ્છ : સંભવિત બિપરજોય વાવાઝોડું કચ્છના દરિયાઈ વિસ્તારમાં લેન્ડ ફોલ થઈ શકે છે. સંભવિત જખૌ ખાતે તેનું લેન્ડ ફોલ થશે. હાલમાં વાવાઝોડું કચ્છના જખૌથી 280 કિલોમીટર દૂર છે, ત્યારે જખૌ વિસ્તારના દરિયાઈ વિસ્તારમાં ETV Bharat પહોંચ્યું હતું. કચ્છના અબડાસા વિસ્તારમા દરિયામા કરંટ જોવા મળ્યો હતો. દરિયામાં 10થી 15 ફુટ ઉંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે.
11,000 લોકોનુ સ્થળાતંર : પિંગલેશ્વર, છછી, જખૌ બંદર પર દરિયામા કરંટ જોવા મળ્યો હતો. તમામ દરિયાઇ વિસ્તારમાં આમ નાગરીકોના પ્રવેશ પર વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. જ્યાં વાવાઝોડું ટકરાવાનું છે તેવા જખૌ નજીકનો દરિયો તોફાની બન્યો છે. અત્યાર સુધીમાં 11,000 લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો હાલમાં કચ્છમા હોસ્પિટલમાં 1874 બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. 270 જેટલી એમ્બ્યુલન્સ હાજર કરવામાં આવી છે. લોકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવી રહ્યા છે, જ્યાં રહેવા કારવાની ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.
વહીવટી તંત્ર ખડેપગે : કચ્છમાં કુલ 48,000 ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. સામાજિક સંસ્થાની મદદથી ફૂડ પેકેટ તૈયાર કરી સેલ્ટર હોમ માં મોકલવામાં આવશે. કચ્છમાં એક કેન્દ્રીય અને બે રાજ્ય પ્રધાન પણ સ્ટેન્ડ બાય પર છે. નલિયા વિસ્તારમાં NDRF અને SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. તો કચ્છનું વહીવટીતંત્ર કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા સજજ થયું છે.
સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રસાદનું વિતરણ : આ ઉપરાંત ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા પણ ફૂડ પેકેટોનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વામિનારાયણ મંદિર-ભુજ તરફથી બુંદી અને ગાઠીયાના પ્રસાદનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજ મંદિરના કોઠારી દેવપ્રકાશદાસ, ભોજનાલય વિભાગના ભંડારી સ્વામી પુરૂષોત્તમસ્વરૂપદાસ તથા સ્વામી દિવ્યસ્વરૂપદાસ કાર્ય કરી રહ્યા છે.